રાનકુવા,તા.૩ 

નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાંથી ત્રણ દિવસમાં ગઈકાલે સાંજે વધુ એક દીપડો (માદા) મૃત હાલતમા મળી આવતા ફોરેસ્ટ વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને દીપડાનું મોતનું સાચુ કારણ જાણવા માટે પીએમ કરાવી તેને વિસેરા લઈ સુરત ખાતે એફ.એસ.એલમાં મોકલી આપ્યા છે. 

ચીખલીના ફોરેસ્ટ વિભાગના પરીક્ષેત્ર વન અધિકારી એ.ટી. ટંડેલ પાસેથી મળતી વિગત મુજબ નવસારીના ચીખલીના જોગવાડ ગામના સરપંચ સુધાબેન અજય હળપતિ દ્વીરા ગઈકાલે સાંજે ચીખલી રેનજ કચેરી ખાતે ફોન કરી ચીખલીના જોગવાડ (રામનગર) ખાતે હુસેન અહમદ મહમદ ઈકબાલ પટેલની માલીકની જમીન સર્વે નં-૧૫૮માંથી અંદાજીત ત્રણ વર્ષનો દીપડો (માદા) મરણ હાલતમાં મળી આવ્યો છે. જે માહીતીના આધારે સ્ટાફના માણસો સાથે ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. અને દીપડાના મૃતદેહનો કબજે મેળવી કચેરી ખાતે લાવી આનુસાંગિક કાર્યવાહી હાથ ધરી હતી ત્યારબાદ દીપડાના મૃતદેહનું રાનકુવા વેટરનરી ઓફિસર દ્વારા આજે સવારે પીએમ કરવામાં આવ્યું હતું અને મોતનું સાચુ કારણ જાણવા માટે વિસેરા લઈ તેને એફ.એસ.એલ માટે સુરત ખાતે મોકલી આપ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા પણ ચીખલીના કુકેરી ગામ ખાતેથી એક વર્ષના દીપડાનું બચ્ચુ મૃતહાલતમાં મળી આવ્યું હતું જયારે ગઈકાલે વધુ એક દીપડો મૃતહાલતમાં મળી આવતા ભારે ચકચાર મચી છે. દિપડાના હુમલાથી ગ્રામલોકો ભયભીત બન્યા છે. વનવિભાગ પાંજરા ગોઠવીને તેને પકડવા કમર કસે છે. આ કેસમાં દીપડાનું પોસ્ટ મોર્ટેમ કરાવી તેને વિસેરા લઈ સુરત ખાતે એફ.એસ.એલમાં મોકલી આપ્યા છે.