વડોદરા

શહેર બાયપાસ પસાર થતા નેશનલ હાઈવે જાંબુઆ બ્રિજ પાસે આજે વધુ એક અકસ્માતનો બનાવ બનતાં જાંબુઆ બ્રિજ અકસ્માત ઝોન બની રહ્યો છે. બે દિવસ પૂર્વે જ બાઈક પર જતા ભાલાવત દંપતીને ટેન્કરચાલકે બાઈકને અડફેટમાં લેતાં ત્રણ જણાનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. અકસ્માતની શાહી હજુ સુકાઈ નથી ત્યાં આજે વધુ એક બપોરના સમયે કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ઈકો કારનો ખુરદો બોલી ગયો હતો. કારમાં સવાર વ્યક્તિઓ ગંભીર હાલતમાં ફસાઈ ગયા હતા. આ અકસ્માતની જાણ મકરપુરા પોલીસ મથકને કરવામાં આવતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કારમાં ફસાયેલી વ્યક્તિઓને ફાયર બ્રિગેડની મદદથી પતરાં કાપી બહાર કાઢી તમામને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

શહેરમાં અનેક જગ્યાઓ પર અકસ્માત ઝોન આવેલા છે જ્યાં અવારનવાર વાહન અકસ્માતના બનાવો બનતા રહે છે. રાજ્યનું તંત્ર આ અકસ્માત ઝોન જાણતું હોવા છતાં કોઈ નક્કર પગલાં લેવામાં લેતું નથી અને નિર્દોષ વ્યક્તિઓ જાન ગુમાવી રહ્યા છે. આજે નમતી બપોરે જાંબુઆ બ્રિજ ઉપર બનેલા અકસ્માતના બનાવની વિગત મુજબ સુરતના માંડવીથી હસમુખભાઈ અમરદીપસિંહ ગામિત સહિત તેમના અન્ય મિત્રો સારસા કબિર મંદિર ખાતે જતા હતા એ દરમિયાન જાંબુઆ બ્રિજ પર આગળ જતી કારના ચાલકે અચાનક બ્રેક મારતાં પાછળથી પૂરઝડપે આવતી ટેન્કરના ચાલકે ઈકો કારના પાછળના ભાગે ધડાકા સાથે ઘૂસી ગઈ હતી જેથી ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારના પાછળનો ભાગ ખુરદો બોલી ગયો હતો, જેથી કારમાં સવાર સાત જેટલી વ્યક્તિઓ ફસાઈ ગઈ હતી. જાે કે, સદ્‌નસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. પરંતુ હસમુખભાઈ ગામિતને ગંભીર ઈજાઓ થતાં તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતના બનાવની જાણ મકરપુરા પોલીસ મથકને કરવામાં આવતાં પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને ફાયર બ્રિગેડની મદદથી કારમાં સવાર લોકોને બહાર કાઢયા હતા. અકસ્માત બાદ ટેન્કરનો ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયેલા ચાલકની અટકાયત કરી હતી.