નવી દિલ્હી, તા.૩

આઈપીએલ ૨૦૨૪ની શરૂઆત ૨૨ માર્ચથી થઈ રહી છે. આ સીઝનની શરૂઆત પહેલા ગુજરાત ટાઈટન્સને ઝટકો લાગ્યો છે. ગુજરાત ટાઈટન્સના એક ખેલાડીનું એક્સિડેન્ટ થઈ ગયું છે. આ ખેલાડીની બાઇક એક અન્ય બાઇક સાથે ટકરાઈ છે. રિપોર્ટ પ્રમાણે આ ખેલાડીને જમણા ઘૂંટણમાં સામાન્ય ઈજા થઈ છે.

આઈપીએલ ૨૦૨૪ની શરૂઆત પહેલા યુવા ખેલાડી રોબિન મિંઝ ઈજાગ્રસ્ત થયો છે. ગુજરાત ટાઈટન્સે રોબિન મિંઝને આઈપીએ ૨૦૨૪ની હરાજીમાં ૩.૬૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. રિપોર્ટ પ્રમાણે ૨૧ વર્ષીય રોબિન મિંઝ કાવાસાકીની સુપરબાઇક ચલાવી રહ્યો હતો અને સામે આવી રહેલી બાઇક સાથે ટક્કર થઈ હતી.

આ દરમિયાન તેની બાઇકનો આગળનો ભાગ ડેમેજ થયો હો. આ દુર્ઘટનામાં રોબિનને સામાન્ય ઈજા થઈ છે.

રિપોર્ટ પ્રમાણે રોબિન મિંઝના પિતા ફ્રાન્સિસ મિંઝે અકસ્માતની પુષ્ટિ કરી છે. રોબિન મિંઝના પિતા ફ્રાન્સિસ મિંઝે કહ્યુ કે રોબિનની બાઇક બીજી બાઇક સાથે અથડાઈ હતી. જેના કારણે રોબિનને સામાન્ય ઈજા થઈ છે. તે ડોક્ટરની દેખરેખમાં છે. નોંધનીય છે કે રોબિન આઈપીએલમાં સામેલ થનાર પ્રથમ આદિવાસી ક્રિકેટર છે. તેની પહેલા કોઈ આદિવાસી ખેલાડી આઈપીએલ સુધી પહોંચ્યો નથી. તો રોબિન ઝારખંડ માટે અન્ડર-૧૯ અને અન્ડર-૨૫ માં રમી ચૂક્યો છે.

આઈપીએલની શરૂઆત ૨૨ માર્ચથી થવાની છે. પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે ચેપોકમાં થશે. તો ગુજરાત ટાઈટન્સ પોતાના અભિયાનની શરૂઆત ૨૪ માર્ચે અમદાવાદમાં મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ કરશે.