દિલ્હી

વિજય હઝારે ટ્રોફી ૨૦૨૧ ની સેમિફાઇનલમાં ચાર ટીમો પહોંચી ગઈ છે. ટુર્નામેન્ટની પ્રથમ સેમિફાઇનલ મેચમાં ગુજરાતનો મુકાબલો ઉત્તરપ્રદેશ સાથે થશે, જ્યારે બીજી સેમિફાઇનલમાં કર્ણાટકની ટીમ મુંબઇ સામે ટકરાશે. ગુજરાતે પ્રથમ ક્વાર્ટર ફાઈનલ મેચમાં આંધ્રપ્રદેશને હરાવ્યું હતું જ્યારે ઉત્તર પ્રદેશની ટીમે ત્રીજી ક્વાર્ટર ફાઇનલમાં દિલ્હીને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ સિઝનમાં માત્ર ચાર ટીમોનું પ્રદર્શન ખૂબ જ સારું રહ્યું છે.

૧૧ માર્ચના રોજ ગુજરાત અને ઉત્તર પ્રદેશ વચ્ચે પ્રથમ સેમિફાઇનલ મેચ દિલ્હીના અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. તે જ સમયે બીજી સેમિફાઇનલ મેચમાં મુંબઇનો કર્ણાટકની મજબૂત ટીમનો સામનો કરવો પડશે. આ મેચ ૧૧ માર્ચે દિલ્હીના પાલમમાં રમાવાની છે. પૃથ્વી શોની અણનમ ઈનિંગની પાછળ મુંબઈએ સૌરાષ્ટ્રને ૯ વિકેટે હરાવી તેની સેમિફાઇનલ ટિકિટનો દાવો કર્યો હતો. તે જ સમયે કર્ણાટકે બીજા ક્વાર્ટર ફાઇનલમાં કેરળને ૮૦ રને હરાવી સેમિફાઇનલમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.

જાે મુંબઈ આ વર્ષના પ્રદર્શન પર નજર નાખશે તો વિજય હઝારેની આ સિઝનમાં ટીમ એક પણ મેચ હારી નથી. ટીમે અત્યાર સુધી રમાયેલી તમામ છ મેચ જીતી લીધી છે. કર્ણાટકની ટીમને તેની પહેલી મેચમાં ઉત્તર પ્રદેશના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ ત્યારબાદની તમામ મેચોમાં ટીમે જીત મેળવી છે. ટુર્નામેન્ટમાં અત્યાર સુધી ગુજરાતની ટીમ અજેય રહી છે. જાેકે આ સીઝનમાં કેરળ સામેની મેચમાં ઉત્તર પ્રદેશની ટીમ હારી ગઈ છે.

સેમિફાઇનલ કાર્યક્રમ

સેમી ફાઇનલ-૧

૧૧ માર્ચઃ ગુજરાત વિ ઉતર પ્રદેશ, અરુણ જેટલી સ્ટેડિયમ, દિલ્હી

સેમી ફાઇનલ-૨

૧૧ માર્ચઃ કર્ણાટક વિ મુંબાઈ, પાલમ સ્ટેડિયમ, દિલ્હી