ન્યૂ દિલ્હી-

આઇસીસીએ યુએઈના ખેલાડી કાદિર અહેમદ ખાન પર ૫ વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે. કાદિર પર ભ્રષ્ટાચાર વિરોધી કોડના ઉલ્લંઘન માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેના કારણે તે કોઈપણ પ્રકારના ક્રિકેટથી દૂર રહેશે. ૨૦૧૯ માં ભ્રષ્ટાચારના આ આરોપો ખાન ઉપર લગાવવામાં આવ્યા હતા. તે જ સમયે મેહરદીપ છકર પર ભ્રષ્ટાચારના છ આરોપો લગાવવામાં આવ્યા છે. કાદિર ખાને ૧૧ વન-ડેમાં ૮ શિકાર બનાવ્યા છે, જ્યારે ૧૦ ટી-૨૦ મેચોમાં ૯ શિકાર બનાવ્યા છે. 

આઇસીસી દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ કાદિરનો પ્રતિબંધ ૧૬ ઓક્ટોબર ૨૦૧૯ થી અમલમાં આવશે જ્યારે તેને અસ્થાયી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો." કાદિરે છ ઉલ્લંઘન ની કબૂલાત કરી હતી. જે એપ્રિલ ૨૦૧૯ માં ઝિમ્બાબ્વે અને યુએઈ વચ્ચે રમાયેલી શ્રેણી સાથે જોડાયેલી છે. ઓગસ્ટ ૨૦૧૯ માં તેણે માહિતી શેર કરી હતી જેનો ઉપયોગ સટ્ટાબાજીના હેતુઓ માટે થઈ શકે છે અને તેને તે અંગેની જાણકારી હતી. કાદિર અહમદ ખાન ઓગસ્ટ ૨૦૧૯ માં નેધરલેન્ડ અને યુએઈ વચ્ચે રમાયેલી શ્રેણી માટે ભ્રષ્ટાચાર માટે સંપર્ક કરવા અંગે એસીયુને કોઈ વિગતો આપવામાં નિષ્ફળ ગયો હતો. આઈસીસીના ઇન્ટિગ્રેસી યુનિટના જનરલ મેનેજર એલેક્સ માર્શલે કહ્યું કે કાદિર ખાન એક અનુભવી આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે જેણે ભ્રષ્ટાચાર વિરોધી તાલીમ લીધી છે. તેમણે ભ્રષ્ટાચારમાં સામેલ લોકોને ટાળવું જોઈએ અને તરત જ કોઈ શંકાની જાણ કરવી જોઈએ. 'આની સાથે આઈ.સી.સી.એ મેહરદીપ પર ભ્રષ્ટાચારના છ કેસ લગાડ્યા છે. તે અજમાન (યુએઈ) માં ઘરેલું ક્રિકેટ રમ્યો છે.