નવી દિલ્હી 

આવતા વર્ષે જાપાનની રાજધાની ટોક્યોમાં થનાર ઓલિમ્પિક ગેમ્સની તૈયારીઓ થઇ રહી છે. ટોક્યોના પ્રખ્યાત રેનબો બ્રિજ પાસે ફરી એકવાર ઓલિમ્પિક રિંગ લગાવવામાં આવી છે. તેને 4 મહિના પહેલા કોરોનાને કારણે ઓલિમ્પિક પોસ્ટપોન થતા હટાવવામાં આવી હતી.

મંગળવારે પાંચેય રિંગને એક ક્રૂઝ દ્વારા યોકોહામા લાવવામાં આવી અને બ્રિજ પાસે એક બાર્જ પર લગાવવમાં આવી. ઓલિમ્પિક રિંગ 33 મીટર પહોળી, 15.3 મીટર ઊંચી અને 69 ટન વજનવાળી છે. રિંગ્સમાં લાગેલી લાઇટ્સ રાત્રે પ્રગટાવવામાં આવશે.

આ પહેલા જાન્યુઆરીમાં આ રિંગ્સને રેનબો બ્રિજ પાસે લગાવવામાં આવી હતી. માર્ચમાં કોરોનાને કારણે ઓલિમ્પિક પોસ્ટપોન થતા રિંગ્સને હટાવવામાં આવી હતી. આ રિંગ્સ ફરીથી લગાવીને ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીએ સિગ્નલ આપ્યું છે કે, આવતા વર્ષે ઓલિમ્પિક આયોજન મુજબ થશે.

ટોક્યો ઓલિમ્પિક 23 જુલાઈથી 8 ઓગસ્ટ, 2021 સુધી રમાશે. તે પછી ટોક્યોમાં જ પેરાલિમ્પિક ગેમ્સની શરૂઆત થશે. જે 24 ઓગસ્ટ 2021થી લઈને 5 સપ્ટેમ્બર 2021 સુધી ચાલશે. IOC અનુસાર, ઓલિમ્પિક અને પેરાલિમ્પિક માટે લગભગ 15 હજાર 400 એથલીટ ટોક્યોમાં ભેગા થશે.

કોવિડ-19ને ધ્યાનમાં રાખતા એથલીટ્સ માટે વેક્સિન અને રેપિડ ટેસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવશે. તે સાથે જ એથલીટ્સને કોવિડ પ્રોટોકોલનું પણ પાલન કરવું પડશે. ઓલિમ્પિક દરમિયાન લિમિટેડ ફેન્સને જ સ્ટેડિયમમાં એન્ટ્રી મળશે.