દુબઇ : 

 IPLના ઇતિહાસમાં પહેલીવાર 200+ રન બનાવ્યા છતાં મેચમાં ટાઇ પડી

IPLની 13મી સીઝનની 10મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે મુંબઈ ઇન્ડિયન્સને સુપર ઓવરમાં હરાવ્યું. IPLના ઇતિહાસમાં પહેલીવાર 200+ રન બનાવ્યા છતાં મેચમાં ટાઇ પડી છે. મેચમાં બેંગલોરે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતાં મુંબઈને 202 રનનો ટાર્ગેટ આપ્યો. જવાબમાં મુંબઈ 5 વિકેટે 201 રન જ કરી શક્યું. આ પહેલાં 2015માં રાજસ્થાન રોયલ્સે પંજાબ સામે 191 રન બનાવ્યા હતા. એ મેચ પણ ટાઇ થઈ હતી. ત્યારે પંજાબ સુપર ઓવર જીત્યું હતું.મુંબઈએ રનચેઝ દરમિયાન છેલ્લી 5 ઓવરમાં 89 રન બનાવ્યા, જે એક રેકોર્ડ છે. આ પહેલાં ગઈ મેચમાં જ રાજસ્થાન રોયલ્સે કિંગ્સ ઇલેવન પંજાબ સામે 86 રન કર્યા હતા.

આ સીઝનની બીજી મેચમાં ટાઇ પડી અને સુપર ઓવર દ્વારા પરિણામ આવ્યું. આ પહેલાં કિંગ્સ ઇલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચનું રિઝલ્ટ પણ સુપર ઓવર દ્વારા આવ્યું હતું. એમાં દિલ્હીએ જીત મેળવી હતી. મુંબઈને અંતિમ 4 ઓવરમાં 80 રનની જરૂર હતી, ત્યાંથી ઈશાન કિશન અને કાયરન પોલાર્ડની જોડીએ 79 રન ફટકારીને મેચ ટાઈ કરાવી. 

અંતે બંને ટીમ વચ્ચે કોઈ તફાવત રહ્યો નહોતો, પરંતુ સ્કોરકાર્ડ તરફ નજર કરીએ તો ખબર પડે કે મેચમાં કુલ 11 બોલર્સે બોલિંગ કરી. સુંદર અને અન્ય 10 બોલર્સ. સુંદરે આ દરમિયાન 4 ઓવરમાં રોહિત શર્માની અતિમહત્ત્વ વિકેટ ઝડપતાં માત્ર 12 રન આપ્યા. અન્ય 10 બોલર્સે 36 ઓવરમાં 10.83ની ઈકોનોમીથી 390 રન આપ્યા, જ્યારે સુંદર સિવાય RCBની બોલિંગ લાઈનઅપ પર નજર કરીએ તો અન્ય બોલર્સે 16 ઓવરમાં 11.56ની ઈકોનોમીથી 185 રન આપ્યા. હાઈ સ્કોરિંગ મેચમાં સ્પિનરનો આટલો પ્રભાવ રહેવો એક અપવાદ છે. બંને ટીમના કેપ્ટન સિવાય ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ પણ સુંદરનાં ભરપૂર વખાણ કર્યાં.