વડોદરા, તા. ૧૮

ગોત્રી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની બદનામ કરવાની ધમકી આપીને સિનિયર વિદ્યાર્થીએ ત્રણ દિવસ અગાઉ વિદ્યાર્થિનીને પુરાવાની પેનડ્રાઈવ આપવાના બહાને હોસ્પિટલના ધાબા પર બોલાવીને સૃષ્ટી વિરુધ્ધનું કૃત્ય આચર્યું હતું. આ બનાવમાં ગોરવા પોલીસે આજે પિડિતા વિદ્યાર્થિનીનું મેજીસ્ટ્રેટ રૂબરુ ૧૬૪ મુજબ નિવેદન લેવડાવ્યું હતું તેમજ આરોપીનો મોબાઈલ ફોન જપ્ત કરી તેને એફએસએલમાં મોકલી આપ્યો હતો.

ગોત્રી જીએમઈઆરએસ મેડિકલ કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી સુરતની ૧૯ વર્ષીય વિદ્યાર્થિની હાલમાં ગોત્રી મેડિકલ કોલેજ કેમ્પસ સ્થિત ગર્લ્સ હોસ્ટેલમાં રહે છે. તે એમબીબીએસના છેલ્લા વર્ષના વિદ્યાર્થી અને ઈન્ટર્નશીપ કરતા નિર્ભય પ્રકાશભાઈ જાેષી સાથે સિનિયર હોવાના નાતે વારંવાર વાતચિતો કરતી હતી જેનો ગેરલાભ લઈ નિર્ભય જાેષીએ આ વાતચિતની રેકોર્ડીંગ અને સ્ક્રીનશોર્ટ વાયરલ કરવાની ધમકી આપી વિદ્યાર્થિની પાસે અઘટિત માગણી કરી હતી. ગત ૧૫મી તારીખના રાત્રે નિર્ભય જાેષીએ વિદ્યાર્થિનીને પુરાવાની પેનડ્રાઈવ લેવા માટે હોસ્પિટલના ધાબા પર બોલાવી હતી અને વિદ્યાર્થિનીને ધમકી આપીને ઓરલ સેક્સ કર્યું હતું.

આ બનાવની વિદ્યાર્થિનીએ ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીઆઈ કિરીટસિંહ લાઠિયાએ આરોપી નિર્ભય જાેષી વિરુધ્ધ છેડતી તેમજ સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચરવાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. ગઈ કાલે પોલીસે નિર્ભય જાેષીના બે દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ આજે તેને સાથે રાખીને હોસ્પિટલના ધાબા પર સ્થળ તપાસ કરી પોલીસે પંચનામુ કર્યું હતું.

આ ઉપરાંત આ કેસની પિડિતા વિદ્યાર્થીનીનું પોલીસે મેજીસ્ટ્રેટ રૂબરુ ૧૬૪ મુજબ નિવેદન લેવડાવ્યું હતું. પોલીસે આ કેસના આરોપી નિર્ભય જાેષીનો મોબાઈલ ફોન કબજે કર્યા બાદ તેને એફએસએલમાં મોકલી આપ્યો છે.

એકાંત અને અંધારું જાેઈને હું બહેકી ગયો હતો

પોતાની જુનિયર વિદ્યાર્થિની સાથે હોસ્પિટલના ધાબા પર સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચરવાના ગુનામાં રિમાન્ડ પર લેવાયેલા નિર્ભય જાેષીએ પોલીસ સમક્ષ ગુનાનો એકરાર કર્યો હતો. દરમિયાન વધુ પુછપરછમાં તેણે કબુલાત કરી હતી કે મારી પાસે કોઈ પેનડ્રાઈવ નથી પરંતું મે ખોટું બોલીને પેનડ્રાઈવ આપવાના બહાને વિદ્યાર્થિનીને મોડી રાત્રે ધાબા પર બોલાવી હતી. ધાબા પર અંધારુ અને એકાંત હોઈ હું બહેકી ગયો હતો અને આવેશમાં આવીને આવું અઘટિત કૃત્ય કરી બેઠો છું.

સાથી વિદ્યાર્થીઓ ડિગ્રી લેતા હતા ત્યારે નિર્ભય પોલીસ સ્ટેશનમાં ડૂસકા ભરતો હતો

આજે ગોત્રી જીએમઈઆરએસના વિદ્યાર્થીઓને મેડિકલ કોલેજ દ્વારા ડીગ્રી એનાયત કરી હતી. જાે નિર્ભયે ઉક્ત ગુનો આચર્યો ના હોત તો તેણે પણ ડીગ્રી મેળવી હોત અને ડોક્ટરનું માનદ સન્માન મેળવ્યું હતું. પોતાના સાથી મિત્રો મેડિકલ કોલેજમાં ડીગ્રી મેળવતા હોવાની ખબર હોઈ નિર્ભય આ તમામ વિગતોને યાદ કરીને ડુસકા ભરતો હતો

પદવીદાન સમારંભમાં નિર્ભય જાેષીની કિસ્સો ચર્ચાની એરણે

આજે ગોત્રી જીએમઈઆરએસમાં પાંચ વર્ષનો એમબીબીએસનો અભ્યાસ પુર્ણ કરીને પાસ થયેલા વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવા માટેનો પદવીદાન સમારંભ યોજાયો હતો. આ સમારંભ વિદ્યાર્થીઓ સાથે વાલીઓ, હોસ્પિટલ સ્ટાફ અને તબીબો હાજર રહ્યા હતા જયાં નિર્ભય જાેષીનો જુનિયર વિદ્યાર્થિની સાથે સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચરવાનો કિસ્સો ચર્ચાની એરણે રહ્યો હતો. પદવીદાનમાં હાજર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ નિર્ભય જાેષીના કરતુતને વખોડી નાખી હતી અને તે સમગ્ર તબીબ આલમ માટે શરમજનક હોવાનું જણાવ્યું હતું.