આણંદ : આણંદ શહેરની બોરસદ ચોકડી અને ઝારોલા ચોકડી ઉપર નિર્માણાધીન ઓવરબ્રિજનું સાંસદ મિતેશભાઈ પટેલના શુભહસ્તે ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ કાંતિભાઈ ચાવડા, અગ્રણી મહેશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં. પૂ.મહાત્મા ગાંધીની દાંડી કૂચ યાત્રા જે માર્ગેથી પસાર થઈ હતી તે માર્ગ એટલે બોરસદ ચોકડી અને ઝારોલા ચોકડી ઉપર હવો ઓવરબ્રિજ બનશે. વર્ષોથી આણંદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા નગરજનો માટે અવરોધ રૂપ બની છે. ત્યારે આ બ્રિજ બનવાથી વાહન ચાલકો રાહદારીઓ માટે મોટી રાહત થશે. 

સાંસદ મિતેષભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, આણંદ શહેરમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ અને નાગરિકોને સરળતા માટે બોરસદ ચોકડી ખાતે રૂ.૫૩ કરોડ અને ઝારોલા ચોકડી ખાતે રૂ.૧૭ કરોડના ખર્ચથી સર્વિસ રોડ સાથેના આ બંને ઓવરબ્રિજનું નિર્માણ થશે. તે ૧૮ માસમાં પૂર્ણ કરવાની નેમ છે. ભારત સરકારના સડક અને માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા ૨૦૨૦માં આણંદ ખાતે દાંડીપથ ઉપર બોરસદ ચોકડી ખાતે રાષ્ટ્રીય ધોરી માર્ગ ૬૪ ઉપર ચાર માર્ગીય ફ્લાયઓવર બ્રિજની મંજૂરી આપી છે. આ બંને ફ્લાયઓવર બની ગયાં પછી આણંદ શહેરમાં પ્રવેશ અને બહાર જવા માટે વાહન ચાલકોને પડતી મુશ્કેલીમાં રાહત મળશે. સાંસદે વધુમાં જણાવ્યું હતું કે, આણંદ શહેરમાં હજુ ગણેશ ચોકડી ખાતે પણ નૂતન બ્રિજની મંજૂરી મળી છે. તેનું પણ કામ ટૂંક સમયમાં શરૂ થશે એટલે શહેરની ટ્રાફિકની હાલની સમસ્યાનો અંત આવશે.

બોરસદ ચોકડી ખાતે યોજાયેલાં ખાતમૂહુર્ત સમારોહમાં નગર પાલિકા પ્રમુખ કાંતિભાઈ ચાવડા, અગ્રણી મહેશભાઈ પટેલ, મયુર પટેલ, સુભાષ બારોટ, સ્વપ્નિલ પટેલ, છત્રસિંહ જાદવ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.