અમદાવાદ-

કોરોનાની મહામારીને પગલે આખા દેશમાં સ્કૂલ અને કૉલેજો બંધ રાખવામાં આવી છે. ગુજરાતમાં પણ હાલ સ્કૂલ-કૉલેજો શરૂ કરવાની મંજૂરી નથી આપવામાં આવી. આ ઉપરાંત વિદ્યાર્થીઓને સ્કૂલ કે કૉલેજ બોલાવવા પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની એક સ્કૂલમાં બંધ બારણે પરીક્ષા લેવામાં આવી રહી હોવાની માહિતી સામે આવી છે. આ મામલે વીડિયો પણ સામે આવ્યો છે. બીજા એક બનાવમાં અમદાવાદના 16 શિક્ષકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ હોવાનો સમાચાર આવ્યા છે. આ શિક્ષકોને ડોર ટૂ ડોર સર્વેની કામગીરી સોંપવામાં આવી હતી. આ તમામ શિક્ષકો અમદાવાદ નગર પ્રાથમિક સ્કૂલના હોવાનું માલુમ પડ્યું છે.

એએમસી સ્કૂલની ગંભીર બેદરકારી : અમદાવાદના ગુલબાઈ ટેકરા પાસે આવેલી કોર્પોરેશનની એક સ્કૂલમાં ધોરણ-7 અને આઠની પરીક્ષા ચાલી રહી હોવાની માહિતી મળી હતી. જે બાદમાં કૉંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયૂઆઈના મહામંત્રીએ તપાસ કરતા સ્કૂલનો ભાંડો ફૂટ્યો હતો. તપાસ કરતા સ્કૂલમાં એક વર્ગખંડમાં બંધ બારણે પરીક્ષા ચાલી રહ્યાનું માલુમ પડ્યું હતું. હાલ લૉકડાઉનને પગલે સ્કૂલ બંધ હોવા છતાં સ્કૂલના તંત્ર તરફથી વિદ્યાર્થીઓને પરીક્ષા માટે બોલાવીને સરકારી ગાઇડલાઇનો ભંગ કરવામાં આવ્યો છે.