વડોદરા,તા.૯  

વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરની ચોતરફ વિવિધ આવાસ યોજનાઓના મકાનો બનાવીને સસ્તા દરે જરૂરિયાતમંદોને આપવામાં આવે છે.આ મકાનો ડ્રોમાં લાગ્યા પછીથી અમુક વર્ષ સુધી જેને ફાળવણી કરવામાં આવી હોય એના સિવાય બીજું કોઈ એમાં રહી શકતું નથી કે પછીથી એને વેચાણ પણ કરી શકાતું નથી.તેમ છતાં કેટલાક લોકો આવા સસ્તા મકાનો લઈને અન્યોને ભાડે આપી દઈને તગડી કમાણી કરતા હોય છે.એવી વ્યાપક પ્રમાણમાં ફરિયાદો ઉઠ્‌યાં પછીથી પાલિકાના એફોડેર્બલ હાઉસિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા આવા અન્ય દ્વારા ઉપયોગમાં લેવાયેલા મકાનોની યુદ્‌ધના ધોરણે તપાસ હાથ ધરવામાં આવી હતી.આ તાપસ દરમિયાન પાલિકાના અધિકારીઓ શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ મુખ્યમંત્રી આવાસ યોજના ખાતે તપાસ માટે ગયા હતા.ત્યારે મુખ્યમંત્રી ગૃહ યોજના/પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કારેલીબાગ એલઆઇજી સ્કીમમાં સ્કાય હાર્મનિના મકાન નંબર જે -૭૦૧ ખાતે તાપસ કરતા એના મૂળ માલિકો જેઓ લાભાર્થી છે.તેમને મકાન ફાળવવામાં આવ્યા હતા એવા શાહ બિપીનભાઈ મહિજીભાઈ અને શાહ નૈનાબેન બિપીનભાઈ દ્વારા ફાળવણીની શરતોનો ભંગ થયાનું ધ્યાન પર આવ્યું હતું. જેને લઈને આવાસને સીલ કરવામાં આવ્યું છે.આ ઉપરાંત જે-૭૦૩ નંબર જીતેન્દ્ર કાંતિભાઈ સોલંકી અને સવિતાબેન જીતેન્દ્ર સોલંકીને ફાળવાયું હતું.ત્યારે એમાં મીનાબેન દિલીપભાઈ પ્રજાપતિ કબ્જેદાર તરીકે હતા.જેથી તેઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.