વડોદરા : શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં કેટલીક વસાહતોના ડ્રેનેજના ગંદા પાણી ઠલવાઈ રહ્યાં છે તેને ધ્યાનમાં લઈ કોર્પોરેશને કેટલીક વસાહતોને નોટિસ આપી છે. કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રીમાં રોજનું લાખો લિટર ડ્રેનેજનું દૂષિત પાણી આવે છે તે બંધ કરવાની તસ્દી આજદિન સુધી લેવાઇ નથી. વસાહતોને આપેલી નોટિસ કેટલી યોગ્ય છે? તેમ સામાજિક કાર્યકરે જણાવી પહેલાં કોર્પોરેશન નદીમાં ડ્રેનેજના પાણી કાંસો, ગટરોમાંથી છોડવાનું બંધ કરે તેવી માગ કરી છે. કોર્પોરેશન દ્વારા કેટલાક સ્થળે વિશ્વામિત્રી નદીમાં સીધેસીધું ગંદું પાણી ઠાલવવામાં આવી રહ્યું છે. આ અંગે જીપીસીબી દ્વારા અવારનવાર નોટિસ પણ આપી દંડ પણ ફટકારાઇ રહ્યો છે, છતાં હજુ પણ પાણી છોડાઈ રહ્યું છે. બીજી બાજુ હવે વિશ્વામિત્રી નદીકાંઠે આવેલી વસાહતોને ડ્રેનેજનું ગંદું પાણી અટકાવવા માટે નોટિસ આપતાં જેથી વિવાદ સર્જાયો છે. નદીકાંઠા વિસ્તારમાં આવેલી વસાહતોને કોર્પોરેશને શરૂ કરેલી સ્કીમ મુજબ રૂા.૧૫૦૦ ભરી ડ્રેનેજ જાેડાણ કાયદેસર કરવાની સૂચના સાથે નોટિસ આપી છે, પરંતુ સાથે કોર્પોરેશન દ્વારા વરસાદી કાંસોમાં ડ્રેનેજ જાેડી દઈ છોડવામાં આવતા પાણી પણ બંધ કરાવવા ત્વરિત કાર્યવાહી કરવી જાેઈએ. શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી કિનારાની વસાહતોમાં ડ્રેનેજ જાેડાણ ફરજિયાત કરી ૧૫૦૦ની આવક ઊભી કરી નદીને શુદ્ધ કરવાની દિશામાં પાલિકાએ કાર્યવાહી શરૂ કરી છે. બીજી તરફ પાલિકા દ્વારા પોતે જ વરસાદી કાંસ દ્વારા ગટર ડ્રેનેજના મળમૂત્રના પ્રદૂષિત પાણી આડકતરી રીતે નદીમાં છોડવામાં આવી રહ્યા છે. ઘણી જગ્યાઓ પર ડ્રેનેજ ચોકઅપ સમયે દૂષિત પાણી ઉલેચી પંપ દ્વારા ઉલેચીને બાજુમાં આવેલી વરસાદી કાંસમાં છોડી દેવાય છે.