અરવલ્લી : મેઘરજ પોલીસે ઉંડવા ચેકપોસ્ટ નજીકથી રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકીંગ હાથ ધરતા શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતી સ્વીફ્ટ કારને અટકાવી હતી. પોલીસ તપાસ કરે એ અગાઉ એક શખ્સ ઉતરીને ફરાર થઇ ગયો હતો. પોલીસે કારચાલકની આગવી ઢબે પૂછપરછ કરતા સ્વીફ્ટ કારમાં રાજસ્થાનમાંથી ચોરેલી ટ્રક્નું પાયલોટિંગ કરવામાં આવતું હોવાનો પર્દાફાશ થયો હતો. સ્વીફ્ટ કારને પોલીસે અટકાવતા પાછળ આવી રહેલી ચોરેલી ટ્રક સાથે રહેલી ગેંગના સાગરીતો રોડ પર ટ્રક મૂકી ફરાર થઈ જતા પોલીસે રાજસ્થાનમાંથી ચોરેલી ટ્રક કબ્જે લઈ આંતરાજ્ય વાહનચોરી કરતી ગેંગના એક સભ્યને જેલના સળિયા પાછળ ધકેલી દઈ ત્રણ શખ્શોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. મેઘરજ પોલીસની ટીમે ઉંડવા બોર્ડર પર રાજસ્થાન તરફથી આવતા વાહનો ચેકીંગ હાથ ધરતાં રાજસ્થાનમાંથી વાહનો ચોરી કરી ગુજરાતમાં વેચાણ અર્થે આવતી ગેંગનો પર્દાફાશ થયો હતો. રાજસ્થાનના ચિતોડગઢ જિલ્લા માંથી ચોરી કરેલ ટ્રક સાથે આવી રહેલ પાયલોટિંગ કરતી સ્વીફ્ટ કારમાંથી ગેંગના રતનલાલ ગુર્જર (રહે,બોજુંદા-ચિતોડગઢ)ને ઝડપી લેતા ટ્રકને લઈને આવી રહેલા ભગવંતસીંગ અને અન્ય શખ્શને જાણ થતા ભગવતસિંહ ઉંડવા નજીક રોડ પર ચોરેલી ટ્રક મૂકી ફરાર થઈ ગયા હતા. પોલીસે ટ્રક કબ્જે લઈ રતનલાલ ગુર્જરને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. મેઘરજ પોલીસે સ્વીફ્ટ કાર,ટ્રક,મોબાઇલ, રોકડ રકમ મળી કુલ.રૂ.૧૫૦૫૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.