ભરૂચ : ભરૂચ શહેરમાં રોડ રસ્તાઓ ઉપર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જોકે આ સીસીટીવી કેમેરામાં દેખાયેલા માસ્ક વગર, નંબર પ્લેટ, કે ટ્રિપલ સવારી વગેરે લોકોને ઘરે સીધો ઈ-મેમો પહોંચી જાય છે. ભરૂચમાં રોડ રસ્તાઓ ઉપર ચોમાસામાં ઢોરોનો અડ્ડો હંમેશાની જેમ જોવા મળે છે. જોકે પશુ પાલકો નિષ્ઠુર બની પોતાને રોજી આપતાં પશુઓને વિચરિત કરવા ખુલ્લેઆમ છોડી મૂકે છે. જેના કારણે આ નિર્દોષ પશુઓ રોડ-રસ્તાઓ ઉપર પોતાનો અડ્ડો જમાવી બેસતાં હોય છે. રોડ-રસ્તાઓ ઉપર વધુ માત્રામાં બેસતા પશુઓના કારણે કેટલીય વાર ટ્રાફિકજામની સ્માસ્યો પણ જોવા મળતી હોવાથી રાહદારીઓને વાહન ચલાવતી વખતે ભારે તકલીફોનો સામનો કરવો પડે છે. ભૂતકાળમાં રાહદારીઓ અને લોકોના વાહનોને પશુઓ દ્વારા અડફેટમાં લીધા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા છે. તંત્ર સામે લોકો ફિટકાર વરસાવે ત્યારબાદ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગતું હોય તેમ રખડતા પશુઓ પકડવા અને પશુપાલકોને દંડ કરવાની કવાયત હાથ ધરે છે. રોડ ઉપર બેઠા પશુઓ પણ કોઈ વાહનની અડફેટે આવે અને પછી બેજવાબદાર પશુપાલકો કે તંત્રમાં માનવતા જાગે તે કેટલું યોગ્ય કહી શકાય? ત્યારે ચોમાસાની શરૂઆતમાં જ તંત્ર દ્વારા બેજવાબદાર પશુપાલકો ઉપર કાયદેસરની ઉદાહરણરૂપી કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી થઈ પડ્યું છે.