નવી દિલ્હી

ઈન્ડિયન્સમાં ક્રિકેટનો અલગ જ ક્રેઝ જોવા મળે છે. એવામાં જો ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ હોય તો બન્ને દેશોના ક્રિકેટરસિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર, ભારત અને પાકિસ્તાન આ વર્ષે 3 મેચની T20 શ્રેણી રમે એવી સંભાવનાઓ જણાઈ રહી છે. જો આવું થાય તો 8 વર્ષ પછી બન્ને ટીમો દ્વિપક્ષીય શ્રેણીમાં સામસામે ટકરાશે. બંને ટીમો વચ્ચે છેલ્લી T20 અને વનડે શ્રેણી ડિસેમ્બર 2012માં રમાઈ હતી, જેમાં T20 શ્રેણી 1-1ની બરાબરીમાં સમાપ્ત થઈ હતી, જ્યારે વન-ડેની શ્રેણીમાં પાકિસ્તાને 2-1થી જીત પ્રાપ્ત કરી હતી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધિકારીના જણાવ્યા અનુસાર, તેમને આ વર્ષે ભારતની વિરુદ્ધ શ્રેણી રમવા માટે તૈયારીઓ કરવાનું સૂચન અપાયું છે.

આવતા અઠવાડિયે ICCની બેઠક યોજાવાની છે, જેમાં ઈન્ડિયા-પાકિસ્તાનની શ્રેણી અંગે ચર્ચા-વિચારણા થઈ શકે છે, જ્યારે ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે આ મામલે હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. 30 માર્ચના રોજ ભારતીય વિદેશમંત્રી અને પાકિસ્તાનના વિદેશમંત્રીની મુલાકાત થાય એવી સંભાવનાઓ રહેલી છે. આ બેઠકમાં બન્ને ટીમો વચ્ચે દ્વિપક્ષીય ક્રિકેટ શ્રેણી પર સંમતિ થઈ શકે છે.

પાકિસ્તાની અખબાર ડેઇલી જંગના એક અહેવાલ મુજબ, આ વર્ષે બંને દેશો વચ્ચે ક્રિકેટનો મહાસંગ્રામ યોજાઈ શકે છે. સમાચારપત્રે પહેલા PCB સાથે વાતાઘાટો કરી હતી ત્યારે તેના અધિકારીએ મગનું નામ મરી નહોતું પાડ્યું, પરંતુ થોડા સમય પછી તેમણે કહ્યું હતું કે બન્ને ટીમો વચ્ચે 3 T20 મેચની શ્રેણી યોજાઈ શકે છે, જેના માટે તેઓ 6 દિવસના વિન્ડોની ખોજ કરી રહ્યા છે.

પાકિસ્તાનના સમાચારપત્રના જણાવ્યા અનુસાર, જો ભારત અને પાકિસ્તાન વચ્ચે શ્રેણી શરૂ થાય તો ભારતીય ટીમ પાકિસ્તાનમાં પ્રવાસ કરી શકે છે, કારણ કે 2012-13માં જ્યારે બન્ને ટીમો વચ્ચે દ્વિપક્ષીય શ્રેણી થઈ હતી ત્યારે પાકિસ્તાનની ટીમે ભારતમાં આવીને મેચ રમી હતી.

જોકે PCBના ચેરમેન એહસાન મનીએ આ પ્રકારની ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂક્યું હતું. તેમણે એર ચેનલના ઈન્ટવ્યુમાં કહ્યું હતું કે હજુ સુધી આ પ્રકારની શ્રેણી માટે કોઈએ તેમની સાથે સંપર્ક સાધ્યો નથી અને BCCIએ પણ તેમની સાથે આ વિષય પર ચર્ચા-વિચારણા કરવા માટે સંપર્ક સાધ્યો નથી.