બ્રિસ્ટોલ

ઇંગ્લેન્ડ સામે રમાઇ રહેલી એકમાત્ર ટેસ્ટમાં શાનદાર શરૂઆત બાદ ભારતીય મહિલા ટીમની ઇનિંગ્સ ધરાસઈ થઈ. બીજા દિવસની રમતના અંતે પ્રથમ ઇનિંગ્સમાં પાંચ વિકેટે 187 રન બનાવ્યા હતા, હાલમાં તે ઇંગ્લેન્ડના સ્કોરને 209 રનથી પાછળ છે. આ પહેલા ડેબ્યુટન્ટ ઓપનર શેફાલી વર્માએ 96 રનની ઇનિંગ રમીને ભારતને શાનદાર શરૂઆત આપી હતી. ઇંગ્લેન્ડ તરફથી કેપ્ટન હિથર નાઈટે બે વિકેટ લીધી હતી જ્યારે નતાલી સાઇવર, કેટ્ટી ક્રોસ અને સોફી એકલેસ્ટનને અત્યાર સુધી એક-એક વિકેટ મળી છે.

શેફાલી અને મંધાને ભારતને જોરદાર શરૂઆત આપી હતી અને બંને બેટ્સમેનોએ પ્રથમ વિકેટ માટે 167 રન જોડ્યા હતા. પરંતુ કેટીએ શેફાલીને આઉટ કરીને ભારતને પહેલો ઝટકો આપ્યો અને શેફાલી તેની કારકિર્દીની પહેલી ટેસ્ટ મેચમાં સદી ફટકારવામાં ચૂકી. તેણે 152 બોલમાં 96 રનની ઇનિંગ્સમાં 13 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા.

આ પછી મંધાના પણ વધુ સમય સુધી ક્રીઝ પર ટકી શકી નહીં અને સ્કીવરે તેને પેવેલિયનમાં મોકલી આપ્યો. મંધાનાએ 155 બોલમાં 14 ચોગ્ગાની મદદથી 78 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડના બોલરોએ ભારતીય ઇનિંગ્સ ખોરવી. આ પછી ટીમ ઇન્ડિયાએ ફક્ત ચાર રનના અંતરે શિખા પાંડે (0), કેપ્ટન મિતાલી રાજ (2) અને પૂનમ રાઉત (2) ની વિકેટ ગુમાવી દીધી હતી. આ પહેલા ઇંગ્લેન્ડ એ 9 વિકેટે 396 રન કરી દાવ ડિકલેર્ડ કર્યો હતો.