લદ્દાખ-

લદાખમાં પેંગોંગની આજુબાજુ ભારતે ચીનની ઘૂસણખોરીને નિષ્ફળ બનાવવા ઉપરાંત મહત્ત્વનાં શિખરો પર કબજાે પણ કરી લીધો છે. અહીં પીછેહઠ થયા બાદ ચીનના સૈનિક લાઈન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (LaC)ના બીજા વિસ્તારોમાં તેની મુવમેન્ટ વધારી રહ્યા છે. ચીને અરુણાચલના 20 કિલોમીટર અંતર પર હિલચાલ વધારી દીધી છે તથા બરફાચ્છાદિત વિસ્તારોમાં પણ સૈન્ય છાવણીઓ બનાવી લીધી છે.

ભારતીય સુરક્ષા એજન્સી અને ગુપ્તચર સંસ્થા આ હિલચાલ પર ચાંપતી નજર રાખી રહી છે તેમ જ અહીં સેનાની વ્યૂહાત્મક ગોઠવણ પણ વધારી દીધી છે. સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે, લદાખમાં પીછેહઠ થયા બાદ ચીન નવા વિસ્તારોમાં ઘૂસણખોરી કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે, જેને પગલે ભારત લદાખથી અરુણાચલ પ્રદેશ સુધી ચીનની સાથે જાેડાયેલાં તમામ સેક્ટરોમાં ચાંપતી નજર રાખી રહ્યું છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અરુણાચલ સેક્ટરમાં ભારતીય સેના અસાફિલા એરિયા, તૂતિંગ એક્સિસ અને ફિશ ટેલ નજીકના વિસ્તારો પાસે ચીનના સૈનિકોની હિલચાલ પર ચાંપતી નજર રાખી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી LaC કેટલાક કિલોમીટર અંતરે અંતરિયાળ વિસ્તારોમાં ચીનના સૈનિકો પોતાના માર્ગો પર મુવમેન્ટ વધારી રહ્યા છે. આ સ્થિતિને જાેતાં ભારતીય સેના પણ LaCના તમામ સેક્ટરમાં પોતાને મજબૂત કરવા લાગી છે. આ વિસ્તારોમાં ચીનના સૈનિક પેટ્રોલિંગ સમયે ભારતીય વિસ્તારોની નજીક આવતા જાેવા મળે છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ટોપ સિક્યોરીટી ઓફિસર્સે ડોકલામની આજુબાજુ ભુતાનમાં ગત દિવસોમાં ચીનના સૈનિકો દ્વારા તૈયાર કરવામાં આવેલી સૈન્ય છાવણીને લઈ પણ ચર્ચા કરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ચીન હવે પછીના તબક્કાની કોર્પ્સ કમાન્ડર સ્તરની વાતચીત માટે તૈયાર થઈ ગયુ છે, જાેકે તેણે અત્યારસુધી આ સમય તથા દિવસ નક્કી કરવામાં આવેલ નથી. તાજેતરમાં જ બન્ને દેશના વિદેશ મંત્રીઓ વચ્ચે વાતચીત બાદ ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિમાં કોઈ જ સુધારો થયો નથી.