નવીદિલ્હી 

આર્જેન્ટીનાના મહાન ફૂટબોલર ડિએગો મારાડોનાના નિધનના શોકમાંથી રમતપ્રેમીઓ હજુ બહાર આવ્યા નથી ત્યાં વધુ એક દિગ્ગજ ખેલાડીએ દુનિયા છોડી દીધી છે. સેનેગલના દિગ્ગજ ફૂટબોલર પાપા બાઉબાનું માત્ર 42 વર્ષની વયે નિધન થયું છે. બાઉબા લાંબા સમયથી બીમાર હતા અને તેમણે પેરિસમાં અંતિમ શ્ર્વાસ લીધા હતા.

બાઉબા એ ફૂટબોલર છે જેણે 2002 ફીફા વર્લ્ડકપમાં જાદૂઈ ગોલ ફટકારી ચેમ્પિયન ફ્રાન્સને સ્તબ્ધ કરી દીધું હતું. તેના ગોલની મદદથી જ ફૂટબોલ રેન્કીંગમાં અત્યંત નીચે રહેનારી સેનેગલે ફ્રાન્સ જેવી દિગ્ગજ ટીમને 1-0થી હરાવીને ઈતિહાસ રચ્યો હતો. એ મેચમાં બાઉબાના પ્રદર્શને લોકોને આશ્ર્ચર્યચકિત કરી દીધા હતા. આ મેચ વર્લ્ડકપનો પ્રથમ મુકાબલો હતો.

28 જાન્યુઆરી 1978માં ડકારમાં જન્મેલા આ ફૂટબોલરે પોતાના કરિયરમાં ફુલહ્મ, વેસ્ટ હમ યુનાઈટેડ અને બર્મિંગમ સિટી જેવી મોટી ફૂટબોલ ક્લબ તરફથી મેચ રમ્યા છે. તેણે પોતાના કરિયરમાં 261 મેચ રમ્યા છે જેમાં 26 ગોલ પોતાના નામે કર્યા છે. ઈન્ટરનેશનલ કરિયરની વાત કરીએ તો તેના નામે 63 મેચમાં 11 ગોલ છે.

દિગ્ગજ ફૂટબોલરના નિધનથી દુનિયાભરના ખેલાડી શોકગ્રસ્ત થઈ ગયા છે. ઈંગ્લેન્ડના પૂર્વ મિડફિલ્ડર ક્રિસ કામરા સહિત તમામ લોકોએ તેને શ્રદ્ધાંજલિ પાઠવી છે તો બાઉબાના ક્લબોએ પણ તેને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.