ગાંધીનગર-

ગુજરાતમાં નવા પોલીસ વડા તરીકે આશિષ ભાટીયાની નિયુક્તિ સાથે જ હવે રાજયમાં આઈપીએસમાં મોટા બદલાવની પ્રક્રિયા શરુ થશે તો બીજી તરફ મુખ્ય સચિવ પણ હવે આ માસના અંતે નિવૃત થઈ રહ્યા છે. તો એડીશ્નલ ચીફ સેક્રેટરી પુનમચંદ પરમાર ગઈકાલે નિવૃત થયા અને બે માસ પછી હાલ ગૃહ વિભાગમાં એડીશ્નલ ચીફ સેક્રેટરી તરીકે કાર્યરત સંગીતાસિંઘ પણ નિવૃત થઈ રહ્યા છે તેથી આગામી સમયમાં આઈએએસ માં પણ મોટા ફેરફારના સંકેત છે. સૌ પ્રથમ તો હાલના ચીફ સેક્રેટરી અનિલ મુકીમને સરકાર છ માસનું એકસટેન્શન આપે છે કે, કેમ તેના પર સૌની નજર છે.

કોરોના કાળમાં મુકીમની કામગીરી બેનમુન રહી છે. અને પરદા પાછળ રહીને સમગ્ર તંત્રને દોર્યુ છે. તેમાં જે રીતે લો-પ્રોફાઈલ રહીને પણ મકકમ રીતે કામગીરી કરે છે તેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમીત શાહ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ તેમનાથી સંતુષ્ટ છે અને હજું ગુજરાત આગામી સમયમાં જે પડકાર ઉપાડી રહ્યા છે તે જોતા મુકીમને છ માસનું એકસટેન્શન મળીને પછી વહીવટીતંત્રમાં હાલની સરળ સ્થિતિ જાળવી રખાય તેવી શકયતા છે.

જો તેમને એકસટેન્શન ન મળે તો ગૃહ વિભાગના એડીશ્નલ ચીફ સેક્રેટરી સંગીતાસિંઘ સીનીયર છે પણ તેઓને નિવૃતિમાં બે જ માસ બાકી છે તો હવે નિવૃત થનારા અધિકારીઓની યાદી પણ લાંબી છે. નવેમ્બર સુધીમાં હાલ દિલ્હીમાં ડેપ્યુટેશન પર રહેલા પી.ડી.વાઘેલા, સપ્ટેમ્બરમાં નિવૃત થાય છે. નર્મદાના કલેકટર એમ.આર.કોઠારી પણ સપ્ટેમ્બરમાં નિવૃત થશે. આ ઉપરાંત આઈપીએસએ હાલ દિલ્હીમાં ડેપ્યુટેશન પર એનએસજીના ડીજી તરીકે કામ કરતા શ્રી એ.કે.સિંઘ, સપ્ટેમ્બરમાં નિવૃત થાય છે. ઉપરાંત એડી. ડીજીપી કમલકુમાર ઓઝા અને સીઆરપીએફના શ્રી કે.એ.નિનામા પણ ઓકટોમાં નિવૃત થશે. 

રાજયમાં સામાન્ય રીતે જૂન માસમાં મોટા પાયે બદલી થતી હોય છે પણ ચાલુ વર્ષે કોરોના સંકટના કારણે જે રીતે વહીવટીતંત્ર વ્યસ્ત છે તેથી મુખ્યમંત્રીએ મોટા ફેરફાર કરવાનું મુનાસીબ માન્યુ ન હતું પણ જે રીતે હવે નિવૃત-બઢતીનો દોર છે તેથી ખાલી થતા સ્થાનો ભરવા અને બઢતી મેળવનાર માટે યોગ્ય સ્થાનો શોધવા બદલીઓ પણ જરૂરી છે. અમદાવાદના પોલીસ કમિશ્નર આશિષ ભાટીયાને રાજયના નવા પોલીસ વડા બનાવાશે તો હવે તેમને હાલ આ ચાર્જ યથાવત રખાયા છે જે સૂચક છે. માનવામાં આવે છે કે ત્રણ આઈપીએસ અધિકાર અજય તોમર, સંજય શ્રીવાસ્તવ અને કેશવકુમારના નામ ચર્ચામાં છે. ઉપરાંત હોમગાર્ડમાં કમાન્ડન્ટ જનરલ તરીકે કામ કરતા ટી.એસ.બીસ્ત પણ આ પદ પર આવી શકે છે. 

માનવામાં આવે છે કે આ ત્રણ વચ્ચે પસંદગી અઘરી છે. કેશવકુમારે એન્ટી કરપ્શન બ્યુરોમાં શ્રેષ્ઠ કામગીરી કરી છે. અજયકુમાર તોમર હાલ અમદાવાદમાં સ્પે.ડીરેકટર ક્રાઈમમાં ફરજ બજાવે જ છે તો સંજય શ્રીવાસ્તવ સીઆઈડી ક્રાઈમ રેલ્વેમાં કામગીરી કરે છે.