અમદાવાદ-

અમદાવાદના રિવરફ્રન્ટ પર આ વર્ષે આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન નહીં કરવામાં આવે. કોરોના કાળમાં નવરાત્રિનું આયોજન રદ કરાયા બાદ રાજ્ય સરકારે આ વર્ષે આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવ પણ નહીં યોજવાનો નિર્ણય કર્યો છે. કોરોના સંક્રમણ અટકાવવા માટે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આકરી ટકોર કરી હતી. થોડા મહિના અગાઉ દિવાળી ટાણે રાજ્યમાં કોરોનાના કેસોનો વિસ્ફોટ થયો હતો. લોકોની બેદરકારી અને રાજ્ય સરકારની કાયદાની અમલવારીમાં ઢીલાશની હાઈકોર્ટે ઝાટકણી કાઢી હતી. ઉલ્લેખનિય છે કે, રાજ્ય સરકારે કોરોના સંક્રમણના જોખમને પગલે અગાઉ અમદાવાદમાં પ્રખ્યાત વાઇબ્રન્ટ નવરાત્રી, ત્યારબાદ કાંકરિયા કાર્નિવલ અને હવે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન ન કરવાનો નિર્ણય લેવો પડ્યો છે. 

હાઈકોર્ટની આકરી ટકોર બાદ રાજ્ય સરકારે તાત્કાલિક પગલાં લેતા આ વર્ષે રિવરફ્રન્ટ પર આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવ રદ કરવાનો નિર્ણય લીધો છે. કોરોના કાળમાં આંતરાષ્ટ્રીય ફ્લાઈટ હજુ રાબેતા મુજબ શરૂ નથી થઈ અને કોરોનાનું સંકટ સમગ્ર દુનિયામાં ફેલાયેલું હોવાથી પતંગ મહોતસ્વમાં આવતા વિદેશી પતંગબાજો પણ આવશે કે કેમ તે અંગે શંકાઓ સેવાતી હતી. કોરોના કાળમાં રાજ્ય સરકારે અગાઉ વાઇબ્રન્ટ નવરાત્રિનું આયોજન પણ રદ કરવાની જાહેરાત કરી હતી.