રાજપીપળા, તા.૨૦  

નાંદોદ તાલુકાની જુના રાજુવાડિયા કો.ઓ.માર્કેટિંગ એન્ડ પ્રોસેસિંગ લી માં સેક્રેટરીની ખોટી સહી કરી રાજીનામુ લખી લીધું હોવાનો ગંભીર આક્ષેપ સાથે જિલ્લા રજિસ્ટ્રારને લેખિત રજુઆત કરાતા ખળભળાટ મચ્યો છે.

મળતી માહિતી મુજબ વર્ષ ૨૦૧૪ માં જુના રાજુવાડિયા કો.ઓ.માર્કેટિંગ એન્ડ પ્રોસેસિંગ લી ના કમિટી સભ્યોની ૫ વર્ષની ટર્મ માટે નિમણૂક થઈ હતી, એ બાદ ૩૧/૮/૨૦૧૮ ના રોજ છેલ્લી સાધારણ સભા મળી હતી.વર્ષ ૨૦૧૯ અને ૨૦૨૦ માટે કોઈ જ સાધારણ સભા ન બોલાવતા આ બાબતે ધી વિનોદ પ્રતાપનગર ખેડૂતોની મંડળીના પ્રમુખે નર્મદા જિલ્લા રજિસ્ટ્રારને લેખિત રજુઆત કરી હતી.નર્મદા જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા આ મામલે રાજુવાડિયા મંડળીના કમિટી સભ્યો પાસે ખુલાસો માંગ્યો હતો, જે ખુલાસો યોગ્ય ન જણાતા નર્મદા જિલ્લા રજિસ્ટ્રાર એચ.આર.પટેલે રાજુવાડિયા કો.ઓ.માર્કેટિંગ એન્ડ પ્રોસેસિંગ લી માં વહીવટીદારની નિમણૂક કરી હતી.

આ દરમિયાન રાજુવાડિયા કો.ઓ.માર્કેટિંગ એન્ડ પ્રોસેસિંગ લી ના સેક્રેટરી પ્રકાશચંદ્ર પ્રવીણચંદ્ર તેવારે મંડળીના પૂર્વ ચેરમેન પર ગંભીર આક્ષેપ લગાવી જિલ્લા રજિસ્ટ્રારને ફરિયાદ કરી છે.

એમના જણાવ્યા મુજબ મંડળીમાં વહીવટીદારે ચાર્જ લીધો એ પેહલા પૂર્વ પ્રમુખ મારી પાસે આવી મંડળીની સાધારણ સભાની બુક, લેટર પેડ અને સિક્કા રજિસ્ટ્રારને બતાવવા છે એમ કહી લઈ ગયા.હું જિલ્લા રજિસ્ટ્રાર કચેરીમાં મારો જવાબ

રજૂ કરવા ગયો ત્યારે મને જાણવા મળ્યું કે તમારું તો રાજીનામુ મંજુર થયું છે.મેં કોઈ પણ લેટર પેડ પર સહી કરી રાજીનામુ કમિટીને આપ્યું નથી, મારી ખોટી સહી કરવામાં આવી છે.

સત્તાધીશોએ સત્તાનો દુરુપયોગ કર્યો છે ઃ સંદીપ પટેલ

ધી વિનોદ પ્રતાપનગર ખેડૂતોની મંડળીના સભ્ય સંદીપ પટેલે જણાવ્યું હતું કે રાજુવાડિયા કો.ઓ.માર્કેટિંગ એન્ડ પ્રોસેસિંગ લી સત્તાધીશોએ ૫ વર્ષથી મિટિંગ બોલાવી નથી. એ બાબતે અમે રજુઆત કરી હતી જેથી જિલ્લા રજિસ્ટ્રારે વહીવટદાર નીમી દેતા સંચાલકોએ સત્તાનો દુરુપયોગ કરી સેક્રેટરી પાસેથી ચોપડા લઇ અને પાછલી તારીખોમાં નવી કમિટીની રચના કરી સેક્રેટરીની ખોટી સહીઓ કરી મોટો ગુનો કર્યો છે.તેમની તપાસ કરી જરૂરી પગલાં ભરવા જોઈએ અને સભ્ય પદ રદ કરવા જોઈએ.

મંત્રીને રાજકીય હાથો બની મને ફસાવાયો ઃ મહેન્દ્ર પટેલ

આ બાબતે જુના રાજુવાડિયા કો.ઓ.માર્કેટિંગ એન્ડ પ્રોસેસિંગ સો.લિ મંડળીના પૂર્વ ચેરમેન મહેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે મેં નર્મદા ધારીખેડા સુગર ફેકટરીમાં પ્રતાપનગર ઝોન માંથી ઉમેદવારી કરી છે.જેથી સેક્રેટરીને રાજકીય હાથો બનાવી મને ફસાવી દબાવવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે.અમેં બધું કાયદેસર રીતે જ કર્યું છે, આ આક્ષેપો પાયાવિહોણા છે.