દેવદઢ બારિયા

દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આવેલા પહાડ ગ્રામ પંચાયતમાં કેન્દ્ર સરકારની મનરેગા યોજના હેઠળ થયેલા કામોમાં જે તે લાભાર્થીઓની જાણ બહાર જમીન સમતળના કરવામાં આવેલા કામોમાં લાભાર્થીઓના ખાતામાંથી બારોબાર નાણાં ઉપાડી લઇ ગ્રામ પંચાયતના સરપંચ તથા તલાટી અને મળતીયાઓ દ્વારા ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ સાથે આજે મહિલા લાભાર્થીઓને સિંગવડ તાલુકા પંચાયતમાં લેખિતમાં રજૂઆત કરી ભારે આક્રોશ ઠાલવ્યો હતો. આ સાથે વર્ષોથી સરકારની યોજના હેઠળ કરવામાં આવતા કામોમાં પણ મોટું કૌભાંડ કર્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.રૂકેન્દ્ર સરકાર દ્વારા ગ્રામજનોને ઘર આંગણે રોજગારી પૂરી પાડવા માટે મનરેગા યોજના હેઠળ જમીન સમતળ તથા ચેકડેમો અને કેટલશેડ જેવા કામો કરવામાં આવી રહ્યા છે. સિંગવડ તાલુકાની પહાડ ગ્રામ પંચાયતના સરપંચ તથા તલાટી અને તેમના મળતિયાઓ દ્વારા કેટલાક લાભાર્થીઓની જાણ બહાર જ તાલુકા પંચાયતમાં તેઓના નામે ખોટા દસ્તાવેજી કાગળો રજૂ કરી જમીન લેવલીંગ જેવા નરેગા યોજના હેઠળના કામો કર્યા છે.

જે કામોમાં મજુરી પેટે લાભાર્થીઓને મળવાપાત્ર નાણાં મળ્યા ન હતા. આ નાણાં ગ્રામ પંચાયતના સરપંચ તથા તેના કેટલાક મળતીયાઓ દ્વારા ઉપાડી લીધા હોવાનો આક્ષેપ સાથે આજે પહાડ ગામની મહિલાઓ સીંગવડ પોલીસ મથકે પોલીસ ફરિયાદ કરવા માટે પહોંચી હતી. પરંતુ સ્થળ પરના અધિકારીએ મહિલાઓને સમજાવીને તાલુકા પંચાયતમાં આ બાબતે રજૂઆત કરવા માટે જણાવવામાં આવતા રેલી સ્વરૂપે આ મહિલાઓનું ટોળુ સિંગવડ તાલુકા પંચાયતના પ્રાંગણમાં પહોંચતાં ભારે ઉત્તેજના વ્યાપી

ગઇ હતી.

મહિલા લાભાર્થીઓને તો ગ્રામ પંચાયતમાં સરકારી યોજના હેઠળ થતા મોટા ભાગના કામો કાગળ ઉપર જ બોલતા હોવાનું તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મનરેગા યોજના હેઠળ મજૂરીના મળવાપાત્ર રૂપિયા ૧૭,૫૦૦ પણ લાભાર્થીઓના ખાતામાંથી બારોબાર ઉપડી ગયા હોવાનો તાલુકા વિકાસ અધિકારી સમક્ષ આક્ષેપ કર્યો છે. તેથી સત્વરે આ બાબતે તપાસ કરી કસુરવારો સામે કાયદેસરના પગલાં ભરવા માંગ કરી હતી.