મુંબઇ

મહામારીના સમયમાં પણ બોલિવુડ સેલેબ્સમાં લક્ઝરી કાર ખરીદવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. કરીના કપૂર, અનિલ કપૂર, કાર્તિક આર્યન, પ્રભાસ, રશ્મિકા મંદાના, શાહિદ કપૂર બાદ હવે અર્જુન કપૂરે પણ કાર ખરીદી છે. એક્ટરના ઘર બહાર નવી કાર જોવા મળી, તેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. અર્જુને Land Rover Defender ખરીદી છે. જેનો કલર મેટાલિક ગોલ્ડ શેડ છે. જેની કિંમત 1 કરોડ કરતાં વધારે છે.


કાર્તિક આર્યને અગાઉ લેમ્બોર્ગિની ખરીદીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. જેની કિંમત 4.5 કરોડ રૂપિયાથી વધારે છે. આ કારને અડધા કરોડ જેટલો એડિશનલ ચાર્જ ચૂકવીને ઈટાલીથી ભારત લાવવામાં આવી હતી, કારણ કે કાર્તિક આર્યન ત્રણ મહિનાના ડિલિવરી સમયની રાહ જોવા માગતો નહોતો. બાદમાં તેણે સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સમક્ષ કાર રજૂ કરી હતી.

અર્જુન કપૂરના વર્કફ્રંટની વાત કરીએ તો તે, સૈફ અલી ખાન, જેક્લિન ફર્નાન્ડિસ અને યામી ગૌતમ સાથે 'ભૂત પોલીસ'માં જોવા મળવાનો છે. આ સિવાય તેની પાસે મોહિત સૂરીની ફિલ્મ 'એક વિલન રિટર્ન્સ' છે. જેમાં જ્હોન અબ્રાહમ, દિશા પાટની અને તારા સુતારિયા પણ મહત્વના રોલમાં છે. એક્ટર છેલ્લે પરિણીતી ચોપરા સાથે 'સંદીપ ઔર પિંકી ફરાર'માં જોવા મળ્યો હતો. જે 19મી માર્ચે થિયેટરમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ ફ્લોપ રહી હતી.