રાજકોટ-

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ સામે છે ત્યારે ભિન્ન રાજકીય પક્ષોમાં આંતરીક સ્પર્ધા, જૂથબાજી અને સામસામા આક્ષેપો ચરમસીમા પર છે ત્યારે હવે  રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણીની એક ઓડિયો ક્લીપ વાયરલ થઈ રહી છે, જેમાં તેમણે કથિત રીતે પાટીદાર સમાજના આગેવાન અને પૂર્વ ધારાસભ્ય વિઠ્ઠલ રાદડિયા માટે અપશબ્દો કહ્યા હોવાનું તેમજ ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ અને લેઉઆ પટેલ સમાજના અગ્રણી નરેશભાઈ પટેલને કોંગી માનસિક્તા ધરાવતા હોવાનું કહ્યાનો આક્ષેપ કરાઈ રહ્યો છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ફરીવાર વિવાદમાં મૂકાયેલા અરવિંદ રૈયાણી તેમની કહેવાતી આ ટેપમાં પોરબંદરના પૂર્વ ધારાસભ્ય વિઠ્ઠલ રાદડિયાને અપશબ્દો બોલતા હોવાનું સંભળાય છે. તેમણે આ ઉપરાંત ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ બાબતે એમ પણ કહ્યું હતું કે, તેઓ મૂળ કોંગ્રેસી છે. ગોવિંદ પટેલ નરેશ પટેલના સંબંધી છે અને ધનસુખ ભંડેરીથી નરેશ પટેલને પહેલેથી નારાજગી છે. તેમણે કહ્યાનું સંભળાય છે કે, સંસ્થાનો ભલે મોટો થયો હોય પણ તે કોંગી માનસિક્તા ધરાવે છે.

જો કે, આ બાબતે અરવિંદ રૈયાણીએ ચોખવટ કરી હતી કે, ચૂંટણીટાણે કેટલાંક મારી વિરુદ્ધ આ પ્રકારના દાવપેચ કરતા હોય છે. મારા વિસ્તારના જ કેટલાંકને હું રાજકીય રીતે ખૂંચું છું. વિઠ્ઠલભાઈ મારા વડીલ છે અને તેમને માટે અપશબ્દો બોલવાનો સવાલ જ નથી આવતો.