બારડોલી -

શ્રી ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લી.(બારડોલી સુગર ફેકટરી)ની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી માટે આજે મતદાન શરૂ થયું છે. કુલ 4610 સભાસદો 13 બેઠકો પર મતદાન કરી રહ્યા છે. મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે. એશિયાની સૌથી મોટી ગણાતી બારડોલી સુગર ફેકટરીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં વર્તમાન પ્રમુખ રમણ પટેલની સહકાર પેનલ અને મુકેશ પટેલની કિસાન પેનલ વચ્ચે ચૂંટણી લડાઈ રહી છે. કુલ 15 બેઠકો પૈકી અનુસૂચિત જાતિ/જનજાતિ અનામત પર સહકાર પેનલમાંથી રાજયના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વર પરમાર અને બિન ઉત્પાદક મંડળીઓની બેઠક પર સહકાર પેનલના અનિલ પટેલ બિનહરીફ જાહેર થયા હતા.

જ્યારે 13 બેઠકો માટે ત્રણ મતદાન કેન્દ્રો પર આજે મતદાન યોજાય રહ્યું છે. સાવરે 8 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. જેમાં કુલ 4610ઉત્પાદક મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જૂથવાર ચૂંટણીની જગ્યાએ આ વખતે જનરલ ચૂંટણી યોજાઈ રહી હોય મતદારોએ તમામ 13 બેઠકોના ઉમેદવારોને મત આપવાનો છે. હાલમાં ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે. બંને પેનલના સમર્થકો મતદાન કેન્દ્રો પર જોવા મળી રહ્યા છે. બંને જૂથના ઉમેદવારો પોતપોતાની જીતના દાવા કરી રહ્યા છે. જો કે હાલ હાઇકોર્ટમાં ચૂંટણીને લાગતો કેસ પેન્ડિંગ હોય મતગણતરી મોકૂફ રાખવામાં આવી છે. કોરોનાને કારણે ભીડ એકત્રિત ન થાય તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ મતદાન કેન્દ્રો પર ગોઠવી દેવામાં આવ્યો છે. બારડોલી સુગર ફેકટરીની ચૂંટણીમાં મતદાન કરવા માટે NRIઓ પણ આવી પહોંચ્યા છે. મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.