ગાજીપુર-

મહાભારતમાં જે રીતે માતા કુંતીએ પોતાના પહેલા પુત્ર કર્ણનો ગંગા નદીમાં એક ટોપલામાં મુકીને ત્યાગ કર્યો હતો એવી જ ઘટના ફરી એક વખત બની છે. યુપીના ગાજીપુરમાં એક નાવિકને ગંગા નદીમાં તરતી લાકડાની પેટીમાંથી નવજાત બાળકી મળી આવી છે.નદી કિનારે રહેતા નાવિકે નદીમાં એક પેટી તરતી જાેઈ હતી.તેણે જલદીથી આ પેટી નદીમાંથી બહાર કાઢી હતી અને ખોલીને જાેયુ તો તેમાં એક નવજાત બાળકી જીવતી હતી.તેની સાથે પેટીમાં સંખ્યાબંધ દેવી દેવતાઓના ફોટા પણ લગાડેલા હતા.બાળકીની જન્મ કુંડળી પણ પેટીમાં હતી.

બાળકીના મળવા અંગે પોલીસને સૂચના આપવામાં આવી હતી.પોલીસે તેને સહાય કેન્દ્રમાં ખસેડી છે.બાળકી સંપૂર્ણ રીતે સ્વસ્થ છે.નાવિક ગુલ્લુ ચૌધરીએ કહ્યુ હતુ કે, મંગળવારે સાંજે નદીમાં આ પેટી તરતી તરતી કિનારા પર આવી હતી.આ પેટી પાસે હું ગયો તો તેમાં બાળકના રડવાનો અવાજ આવી રહ્યો હતો.એ પછી ગુલ્લુ અને બીજા લોકોએ બોક્સ ખોલ્યુ તો તેમાં બાળકી દેખાઈ હતી. બાળકીનુ પેટીમાંથી મળવુ આ વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યુ છે.આજે બાળકીની મેડિકલ તપાસ પણ કરવામાં આવશે.એવુ કહેવાય છે કે, કોઈ અંધવિશ્વાસના કારણે અથવા તો કોઈ તાંત્રિક વિધિના કારણે કોઈએ બાળકીને પેટીમાં મુકીને વહાવી દીધી હોય તેવુ પણ શક્ય છે.દરમિયાન પોલીસે બાળકીના પરિવારજનોની શોધખોળના પ્રયાસો પણ શરુ કર્યા છે.