હિસાર, 

પોતાને યુવાન વયની પુત્રીઓ હોય એવા તમામ પિતાઓના દિલને હચમચાવી મૂકે એવો, અને માનવસમાજ માટે ભલે અપવાદ છતાં ઘૃણાસ્પદ ગણાય એવો કિસ્સો બહાર આવ્યો હતો. હરિયાણામાં હિસાર ખાતે પોલીસે એક એવા શખ્સની ધરપકડ કરી હતી જે પોતાની 17 વર્ષીય પુત્રી પર છેલ્લા 7 વર્ષથી બળાત્કાર કરી રહ્યો હતો એટલું જ નહીં પણ તે ગર્ભવતી બની જતાં તેનો ગર્ભપાત એટલે કે એબોર્શન કરાવી નાંખતો હતો. આ નરાધમ બાપની હરકતોનો આટલાથી અંત નથી આવતો પણ એવું પણ બહાર આવ્યું હતું કે તે તેની બીજી 11 વર્ષની પુત્રીનું પણ શારીરીક શોષણ કરતો હતો.

હિસાર મહિલા પોલીસ સ્ટેશનમાં આ કેસ ગુના અંગેની આઈપીસી કલમ 376(2)(n) (વારંવાર બળાત્કાર માટે), 376(2)f (પાલક દ્વારા જાતિય શોષણ માટે-), 354-(અભદ્ર જાતિય પ્રસ્તાવ માટે-), 313 (લગ્ન કર્યા વિના મહિલાની સંમતિ વિના ગર્ભપાત કરાવવાના કારણ બનવા માટે-)323 (જાણીજોઈને ઈજા પહોંચાડવા માટે-), 506 (અપરાધીક ધાકધમકી આપવા માટે-) ઉપરાંત બળજબરીથી સમાગમ કરવા માટે તેમજ જાતિય હુમલો કરવા માટેની કલમો અનુક્રમે 6 અને 8 અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવી હતી. જેમનુ શારીરીક શોષણ થતું રહ્યું હતું એ પુત્રીઓ દ્વારા પિતા સામે ફરિયાદ દાખલ કરાવતાં પોલીસે કાર્યવાહી કરતાં આ વિકૃત શખ્સની ધરપકડ કરાઈ હતી. 

મોટી પુત્રીએ કહ્યું હતું કે, તેમના પિતા એક સરકારી અધિકારીને ત્યાં રસોઈયા તરીકે નોકરી કરતા હતા, અને સરકારી ક્વાર્ટરમાં રહેતા હતા. તે જ્યારે તેમને તાબે થવા ઈનકાર કરતી ત્યારે તે તેને મારી નાંખવાની ધમકી આપતો હતો.