આણંદ : ગુજરાતની ધરતી ખુશ્બુથી મહેકી રહી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં ખેતરો ફૂલોથી શોભી રહ્યાં છે. બાગાયત વિભાગમાંથી પ્રાપ્ત આંકડાઓ પ્રમાણે રાજ્યમાં વર્ષ ૨૦૧૯-૨૦માં કુલ ફૂલ ઉત્પાદન ૧,૯૫,૯૯૨ મેટ્રિક ટને પહોંચ્યું છે. વિસ્તારની દૃષ્ટિએ જાેઈએ તો રાજ્યમાં સૌથી વધુ ફૂલ ઉત્પાદન મધ્ય ગુજરાતમાં થઈ રહ્યું છે. રાજ્યના કુલ ઉત્પાદન ૧,૯૫,૯૯૨ મેટ્રિક ટનમાંથી ૧.૦૯,૩૩૭ મેટ્રિક ટન ફૂલનું ઉત્પાદન માત્ર મધ્ય ગુજરાતમાં જ થયું છે. કુલ ઉત્પાદનના ૫૫.૭૮ % . રાજ્યમાં વિવિધ પ્રદેશોમાં ફૂલ-ઉત્પાદનની વાત કરીએ તો, રાજ્યમાં સૌથી વધુ ફૂલ ઉત્પાદન મધ્ય ગુજરાતમાં ૧,૦૯,૩૩૭ મેટ્રિક ટન છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં આ આંક ૬૩,૫૦૧ મેટ્રિક ટન છે. કચ્છ-સૌરાષ્ટ્રમાં ફૂલ ઉત્પાદનનો આંક ૧૨,૬૫૮ મેટ્રિક ટને પહોંચ્યો છે. ઉત્તર ગુજરાતમાં ફૂલ ઉત્પાદનનો આંક ૧૦,૪૯૬ મેટ્રિક ટન જેટલો રહ્યો છે. સમગ્ર રાજ્યમાં નવસારી જિલ્લો ફૂલ ઉત્પાદનમાં મોખરે છે. આ જિલ્લામાં ૨૪,૪૫૨ મેટ્રિક ટન ફૂલ ઉત્પાદન થયું છે, બીજા ક્રમે આણંદ ૨૦,૯૮૧ મેટ્રિક ટન છે, જ્યારે ત્રીજા ક્રમે અમદાવાદ ૨૦,૫૮૩ મેટ્રિક ટન છે. ફૂલની વિવિધ જાતોના ઉત્પાદનની વાત કરીએ તો ગુલાબના ઉત્પાદનમાં ભરૂચ જિલ્લો પ્રથમ છે. ભરૂચમાં ૬૦૮૦ મેટ્રિક ટન ગુલાબનું ઉત્પાદન થયું છે, જ્યારે વડોદરા ૫૯૨૯ મેટ્રિક ટન ગુલાબ ઉત્પાદન થયું છે. અમદાવાદ જિલ્લો ૪૬૪૯ મેટ્રિક ટન સાથે ત્રીજા ક્રમે રહ્યો છે. ગલગોટા (મેરિગોલ્ડ)ના ઉત્પાદનમાં અમદાવાદ જિલ્લો અવ્વલ રહ્યો છે. અમદાવાદમાં ૯૫૬૧ મેટ્રિક ટન ગલગોટાનું ઉત્પાદન થયું, બીજા નંબરે દાહોદ રહ્યું, અહીં ગલગોટાનું ઉત્પાદન થયું ૮૮૦૦ મેટ્રિક ટન. ખેડામાં ૮૧૫૭ મેટ્રિક ટનથી વધુ ગલગોટા ખીલ્યાં હતાં. મોગરાની ખેતીમાં વડોદરા અગ્રેસર છે. અહીં ૨૦૧૯-૨૦ માં ૨૫૦૮ મેટ્રિક ટન મોગરાનું ઉત્પાદન થયું હતું. અમદાવાદમાં મોગરાનો ઉત્પાદન આંક ૧૬૭૪ મેટ્રિક ટન રહ્યો, જ્યારે ભરૂચમાં તે ૧૬૩૩ મેટ્રિક ટન રહ્યો છે. લીલીના ફૂલોની ખેતીમાં નવસારી નંબર વન રહ્યું છે. દક્ષિણ ગુજરાતના આ જિલ્લામાં વર્ષ ૨૦૧૯૨૦માં લીલીનું ઉત્પાદન ૧૪૨૪૪ મેટ્રિક ટન થયું, બીજા ક્રમે ૯૯૭૦ મેટ્રિક ટન સાથે આણંદ રહ્યું અને વલસાડ ૭૦૮૯ મેટ્રિક ટન સાથે ત્રીજા ક્રમે રહ્યું છે. ફૂલ ઉત્પાદનના આંકડા વર્ષ ૨૦૧૯-૨૦નાં છે.