વડોદરા, તા.૨૯

પૂર્વ મંત્રી અને માંજલપુરના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલની કારને આગ લગાવનાર અનિસ મોહમ્મદ હનીફ દારૂવાલાને શહેર પોલીસે ઝડપી પાડયો છે. ત્યારે ચોંકાવનારી માહિતીઓ બહાર આવી રહી છે. જેમાં પોલીસે અગાઉ પગલાં લીધાં હોત તો આ બનાવ અટકાવી શકી હોત એવી માહિતી પ્રાપ્ત થઈ છે. આ મામલાની ગંભીરતા જાેતાં ક્રાઈમ બ્રાન્ચને આ મામલાની તપાસ સોંપાઈ છે, જ્યાં કોઈ કટ્ટરવાદી સંગઠનના ઈશારે તો આવું કરાયું નથી ને? એવી પણ તપાસ કરવામાં આવશે.

૨૬મી જાન્યુઆરીએ રાત્રિએ જ્યુબિલીબાગ પાસે પાર્ક કરેલી પૂર્વ મંત્રી અને માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલની કારમાં ભેદી સંજાેગોમાં આગ લાગી હતી. પ્રારંભમાં આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું તારણ બહાર આવ્યંુ હતું, પરંતુ આગ જાણીબુઝીને લગાવાઈ હોવાની શંકાના આધારે પોલીસે ગુપ્ત તપાસ હાથ ધરી હતી. જેમાં આસપાસ લગાવેલા સીસીટીવી કેમેરાની ઝીણવટપૂર્વક તપાસમાં એક શખ્સ કારને સળગાવતો નજરે પડયો હતો. એના આધારે આસપાસના માર્ગોના બધા જ સીસીટીવી કેમેરાના ફુટેજ મેળવાતાં એ શખ્સ વાડી મોગલવાડાનો મોહમ્મદ અનીસ મોહમ્મદ હનીફ દારૂવાલા હોવાનું બહાર આવતાં પોલીસે એને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

શહેર પોલીસ કમિશનર શમશેર સિંગે આ મામલાની ગંભીરતા જાેતાં કેસની વધુ તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપી હતી જેમાં ચોંકાવનારી માહિતીઓ બહાર આવી રહી છે. જ્યારે વાડી પોલીસે આ શખ્સ વિરુદ્ધ યોગ્ય પગલાં લીધાં હોત તો આ ઘટનાને નિવારી શકાઈ હોત. વાડી પોલીસની નિષ્કાળજી અને બેજવાબદારીભર્યા વલણને કારણે જ પૂર્વ મંત્રી અને ધારાસભ્યની કારને સળગાવાઈ હોવાનું લાગી રહ્યું છે. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં વાડી મોગલવાડા દારૂવાલા મેન્સનમાં રહેતો મોહમ્મદ અનીસ મોહમ્મદ હનીફ દારૂવાલાએ ર૮ ડિસેમ્બરના રોજ રાત્રિના સમયે વાડી યાસીન ખાન પઠાણ માર્ગ ઉપર સાહિલ ઢાંકવાલાની ઈકો કારનો કાચ તોડી આગ લગાડી હતી. જેમાં બાજુમાં પાર્ક કરેલી સ્વિફટ કાર પણ આગની ઝપેટમાં આવી જતાં ખાખ થઈ ગઈ હતી. એ સમયે વાડી પોલીસે ફરિયાદના આધારે સીસીટીવી ફુટેજ મેળવી આરોપીને શોધી કાઢયો હતો, પરંતુ કોઈ કડક કાર્યવાહી કરી ન હતી.

ક્રાઈમ બ્રાન્ચની અખબારીયાદીમાં આરોપી મોહમ્મદ અનીસ દારૂવાલાની ૨૦૧૬માં સયાજીગંજમાં જુગારના કેસમાં સંડોવણી તેમજ ૨૦૧૪માં હથિયાર સાથે પણ ઝડપાયેલો હોવાનું જણાવ્યું છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે પોલીસના ચોપડે આરોપી ઉગ્ર સ્વભાવનો, ઝઘડાળું અને સનકી છે ત્યારે મહિના અગાઉ વાડીમાં બે કારને આગ ચાંપ્યા બાદ પણ એની સામે કડક કાર્યવાહી કેમ ના થઈ? એવો સવાલ ઉપસ્થિત થયો છે.

કટ્ટરવાદી સંસ્થાના ઈશારાની આશંકા?

કોઈ કટ્ટરવાદી ઈસ્લામિક સંસ્થાના ઈશારે પૂર્વ મંત્રી અને ધારાસભ્યની કારને સળગાવી તો નથી ને? એની પણ તપાસ પોલીસ કરશે. સામાન્ય રીતે ઝનૂની ઉગ્ર સ્વભાવ અને ઝઘડાળું હોય એવા ઈસમને દેશવિરોધી સંસ્થા હાથો બનાવી આવા કૃત્યો કરવા આસાનીથી ભાંગફોડ કરવા રાજી કરી લેતા હોય છે. ત્યારે ધારાસભ્યની કારને આગ લગાવવા પાછળ કોઈ કટ્ટરવાદીઓનો હાથ છે કે નહીં એ માટે આરોપીના કોલ ડિટેઈલ પણ મેળવાશે તેમજ અન્ય રીતે પણ તપાસ હાથ ધરવામાં આવશે.

પોલીસ તપાસમાં રહસ્ય બહાર આવી શકે

પૂર્વ મંત્રી અને ધારાસભ્યની કારને આગ લગાવનાર આરોપીના પરિવારજનો અને મિત્રો એને સનકી અને અસ્થિર મગજનો ગણાવી રહ્યા છે. પોલીસ પોતે પણ એમ માની રહી છે. ત્યારે ધારાસભ્ય યોગેશ પટેલની કારને આગ લગાવવા માટે એક્ટિવા લઈને મોહમ્મદ અનિસ દારૂવાલા આવ્યો હતો. તો શું અસ્થિર મગજના ઈસમ એક્ટિવા ચલાવી શકે? એવો સવાલ ઊભો થયો છે. બીજી તરફ એની માનસિક સારવાર ચાલતી હોવાના કાગળો પણ ખાનગી ડોકટરના છે, જે આસાનીથી મળી શકે છે. ત્યારે પોલીસે આરોપીની સરકારી મેન્ટલ હોસ્પિટલમાં લઈ જઈ તપાસ કરાવવામાં આવે તો સાચી હકીકત બહાર આવી શકે એમ છે.