લોકસત્તા વિશેષ : વડોદરા મ્યુનિશિપલ કોર્પોરેશનમાં આજે આગામી અઢી વર્ષ માટેના હોદ્દેદારોની નિંમણૂકની ઔપચારીકતા પુરી કરવામાં આવી હતી. સંગઠન અને ધારાસભ્યોની ખેંચતાણમાં ધારાસભ્યોની કુનેહ ફરી એક વખત સફળ થઈ હતી. જેમાં જાતિવાદના સમતોલન સાથે આગામી અઢી વર્ષ માટે વડોદરાના નવા મેયર, ડે. મેયર, સ્થાયી સમિતિ અધ્યક્ષ, શાસક પક્ષના નેતા અને શાસક પક્ષના દંડકની નિંમણૂક કરવામાં આવી હતી. જેમાં મેયર તરીકે પ્રથમ વખત વૈષ્ણવ વણિક સમાજમાંથી કેયુર રોકડીયા, ડે. મેયર પદે બ્રાહ્મણ સમાજમાંથી નંદા જાેષી, સ્થાયી સમિતિ અધ્યક્ષ પદે પાટીદાર સમાજમાંથી ડો. હિતેન્દ્ર પટેલ અને ઓબીસી સમાજમાંથી શાસક પક્ષના નેતા તરીકે અલ્પેશ લિંમ્બાચીયા અને શાસક પક્ષના દંડક તરીકે ચિરાગ બારોટની નિંમણૂક કરવામાં આવી હતી. મેયર, ડે. મેયર અને સ્થાયી સમિતિ અધ્યક્ષની રેસમાં ટ્રેન ચુકનારાઓને સ્થાયી સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું હતું.

છેલ્લા ૧૫ દિવસથી શહેરના નવા મેયર, ડે. મેયર અને સ્થાયી સમિતિ અધ્યક્ષ સહિત કોર્પોરેશનના નવા હોદ્દેદારોની નિંમણૂકને લઈ જાેરદાર લોબીંગ ચાલી રહ્યું હતું. ખાસ કરીને સંગઠન અને ઘારાસભ્યો દ્વારા સામ સામે પોતપોતાના ઉમેદવારો તૈયાર કરી દાવેદારોના લીસ્ટમાં રજુ કરવામાં આવતા આ પસંદગી પ્રક્રિયામાં ગરમાવો આવી ગયો હતો. આ માહોલ વચ્ચે શહેર ભાજપ સંગઠન દ્વારા પોતાના માનીતાઓને હોદ્દા અપાવવા માટે એક ગોઠવણ શરૂ કરી ઘારાસભ્યોની એકતા તોડવાનો કારસો રચાયો હતો. જ્યારે બીજી તરફ ઘારાસભ્યોએ પણ સંગઠનની ગોઠવણ સામે કુનેહથી કામ લઈ ટાઢા પાણીએ ખસ કાઢવાની યોજના તૈયાર કરી હતી. આ સમગ્ર ખેલમાં આખરે ઘારાસભ્યોની કુનેહ કામ લાગી હતી.

ઘારાસભ્યોની કુનેહ વચ્ચે જાહેર થયેલી શહેરના નવા હોદ્દેદારોની ટીમમાં જાતિવાદ અને દરેક ઘારાસભ્યના મત વિસ્તારના એક આગેવાનની પસંદગી કરવામાં આવી હતી. જેમાં મેયર તરીકે પ્રથમ વખત વૈષ્ણવ વણિક સમાજમાંથી કેયુર રોકડીયા, ડે. મેયર પદે બ્રાહ્મણ સમાજમાંથી નંદા જાેષી, સ્થાયી સમિતિ અધ્યક્ષ પદે પાટીદાર સમાજમાંથી ડો. હિતેન્દ્ર પટેલ અને ઓબીસી સમાજમાંથી શાસક પક્ષના નેતા તરીકે અલ્પેશ લિંમ્બાચીયા અને શાસક પક્ષના દંડક તરીકે ચિરાગ બારોટની નિંમણૂક કરવામાં આવી હતી.