પાટણ,તા.૪ 

પાટણ જિલ્લામાં કોરોનાના પ્રવેશ બાદ પ્રથમવાર સોમવારે માત્ર ૨ પોઝિટિવ કેસ મળ્યા હતા. આ બે કેસમાં હારીજ તાલુકાના બોરતવાડા ગામે ૨૨ અને ૩૯ વર્ષની મહિલાઓ સંક્રમિત થઈ છે. બે મહિલાના કોરોના પોઝિટિવ સાથે જિલ્લામાં પોઝિટિવ દર્દીઓનો આંકડો ૮૪૨ થયો છે. હારિજ તાલુકામાં કોરોના પોઝિટિવ સંખ્યા ૩૧ને આંબી ગઇ છે. જિલ્લામાં ૭ એપ્રિલે સૌ પ્રથમ કેસ સિદ્ધપુરમાં મૂળ ભીલવણ ગામના રહીશ લુકમાન અરેડિયાનો પ્રકાશમાં આવ્યો હતો. આ પછી બીજો સિંગલ કેસ તેના બનેવીનો આવ્યો હતો. ત્યારબાદ નેદરા ગામમાં એક સાથે સાત કેસ મળી આવતા સમગ્ર જિલ્લામાં અને આરોગ્ય તંત્રમાં હડકંપ મચી ગયો હતો. નેદરા ગામને કોરોના હોટ સ્પોટ જાહેર કરવામાં આવ્યું હતું. એપ્રિલ માસમાં કેટલાક દિવસ એક પણ કોરોનાના કેસ મળ્યા ન હતા પરંતુ આ પછી પ્રથમ વખત સોમવારે માત્ર બે કેસ મળ્યા હોય તેવું બન્યું છે.પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૦૬૬૩ સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં ૧૦૧૯૯ પાટણ જિલ્લાના અને ૪૬૪ અન્ય જિલ્લાના સેમ્પલનો સમાવેશ થાય છે. આ પૈકી પાટણ જિલ્લાના પોઝિટિવ દર્દી ૭૩૩ અને અન્ય જિલ્લામાં નિદાન થયેલા આ પોઝીટીવ ૧૦૯ દર્દી મળી કુલ પોઝિટિવ સંખ્યા ૮૪૨ થઈ છે. પાટણ જિલ્લામાં નિદાન થયેલા અન્ય જિલ્લાના પોઝિટિવ દર્દી ૫૫ છે. જે પાટણ જિલ્લામાં ગણવામાં આવતા નથી .જિલ્લામાં સોમવારે ૫૫ જેટલા નવા સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં બે પોઝિટિવ મળ્યા હતા. પોઝિટિવ આંક પ્રમાણે પાટણ તાલુકામાં ૪૩૪ ,સિધ્ધપુર તાલુકામાં ૧૩૦, સરસ્વતી તાલુકામાં ૪૩, ચાણસ્મા તાલુકામાં ૭૧, હારિજ તાલુકામાં ૩૧, સમી તાલુકામાં ૨૫,રાધનપુર ૬૪, શંખેશ્વર ૧૬ અને સાંતલપુર તાલુકામાં ૨૮ કેસ મળી આવ્યા છે. છેલ્લા છ દિવસ અગાઉ જિલ્લામાં સૌથી વધુ ૪૬ કેસ એક જ દિવસમાં મળી આવ્યા હતા.