ભરૂચ, ભરૂચ નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં પાલિકાની પહેલી બજેટ લક્ષી સામાન્યસભા બુધવારના રોજ પાલિકાના સભાખંડમાં મળી હતી. જેમાં આગામી વર્ષ માટે રૂપિયા ૮.૬૭ કરોડની પૂરાંત વાળું બજેટ વિપક્ષ સાથેની ઉગ્ર ચર્ચાઓ બાદ આખરે સર્વાનુ મતે મંજુર કરાયું હતું. વિપક્ષે બજેટને વિઝન વિનાનું અને પાછલા બજેટની ફોટો કોપી હોવાનો આક્ષેપ કર્યો હતો. બુધવારના રોજ ભરૂચ નગર સેવા સદનના સભા ખંડમાં પ્રથમ સામાન્ય સભા મળી હતી જેમાં પ્રમુખ અમિત ચાવડા, ઉપ પ્રમુખ નિના યાદવ અને ચીફ ઓફિસર સંજય સોની તેમજ ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સામાન્ય સભામાં વર્ષ ૨૦૨૧-૨૨નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. પ્રમુખ સ્થાનેથી અમિત ચાવડાએ બધાના સાથ અને સહકારથી વિકાસના કામો કરવાનો વિશ્વાસ વ્યક્ત કરવા સાથે વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર ચલાવી લેવામાં નહિ આવે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. શહેરના બિસ્માર બનેલા માર્ગોના નવીનીકરણના કામોને બજેટમાં પ્રાધાન્ય આપવામાં આપવામાં આવ્યું છે. આ ઉપરાંત શહેરનો સર્વાંગી વિકાસ થાયએ પ્રકારે બજેટ તૈયાર કરવામાં આવ્યું હોવાનો સત્તાપક્ષ દ્વાર દાવો કરવામાં આવ્યો છે.

બજેટ રજૂ કરતા જ વિપક્ષે બજેટને વિઝન વિનાનું અને ફોટોકોપી હોવાનું ગણાવતા શાસક પક્ષ સાથે શાબ્દિક ટપાટપી થઈ હતી. પાલિકાના વધતા જતા દેવા સામે વિપક્ષે ઉગ્ર રજૂઆતો કરી દેવા ઘટાડવા અંગે ધ્યાન આપવા તાકીદ કરી હતી. સૌથી વધુ દેવું પાણીનું હોવાનું બહાર આવતા જ વિપક્ષે આક્ષેપોની પસ્તાળ પાડી માતરિયા તળાવની મીઠા પાણીની યોજનાને માત્ર ગાર્ડનની યોજના જ બનીને રહી ગઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. દરમ્યાન પાલિકામાં ઓવેશીના પક્ષ આઈમીમ માંથી ચૂંટાયેલા એક માત્ર સભ્ય ફહિમભાઈએ પણ સફાઈના મુદ્દે ચર્ચા હાથ ધરતા શાસક પક્ષના સભ્યોએ તેના ઉપર હાવી થઈ બેસી જવાનું કહેતા શાબ્દિક ટપાટપીથી એક તબક્કે સભા ગરમાઈ હતી.