દાહોદ,તા.૧૫

દાહોદ જિલ્લામાં છ નકલી કચેરીઓ અને તેમાં રૂપિયા ૧૮.૫૯ કરોડનું કૌભાંડ મામલે ગઈકાલે વધુ પાંચ જેટલા તત્કાલિન પ્રાયોજના વહીવટદારની કચેરીમાં ફરજ બજાવતાં કર્મચારીઓની સંડોવણી બહાર આવતા ધરપકડ કરવામાં આવી હતી. નકલી કચેરી કાંડમાં અત્યાર સુધીમાં દાહોદ પોલીસે કુલ ૧૧ આરોપીઓની ધરપકડ કરી છે. તપાસ આગળ વધશે તેમ વધુ નામો બહાર આવવાની પ્રબળ આશંકાઓ છે. ધરપકડ કરાયેલાં આ પાંચ આરોપીઓમાં (૧) મયુર પ્રકાશભાઈ પરમાર (૨) પૂખરાજ રોઝ (૩) પ્રદીપ મોરી (૪) ગિરીશ દલાભાઈ પટેલ તથા (૫) સતિષ અશોકભાઈ પટેલનો સમાવેશ થાય છે. આ પાંચેય અલગ અલગ ગ્રાન્ટોના ટેબલ સંભાળતા હતા. આ નકલી કચેરી કાંડમાં રૂપિયા ૧૮.૫૯ કરોડના ૧૦૦ જેટલા કોન્ટ્રાક્ટ લીધા હતા અને તેમાંના મોટાભાગના કોન્ટ્રાક્ટની ફાઈલો આ લોકોના ટેબલથી ઓપરેટ કરવામાં આવતી હતી. આ ફાઇલો વેરીફાઈ કરવામાં આવતી હતી અને તેમાં નોટિંગ કરીને મોકલવામાં આવતી હતી. આ પાંચે જણા જાણી જાેઈને આ ખોટી કચેરી છે તે જાણતા હોવા છતાં તે બાબત કોઈના ધ્યાન પર મૂકી ન હતી અને તેના બદલામાં તે પાંચે જણાએ નાણાકીય લાભ મેળવ્યાં હતા, જેના પૂરતા પુરાવાઓ ઇન્વેસ્ટિગેશન ઓફિસરને મળતા જ ગઈકાલે આ પાસે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

સદર કેસમાં દાહોદ પોલીસે અગાઉ નકલી પ્રાયોજના અધિકારી સંદીપ રાજપૂત, અંકિત સુથાર, જે તે સમયે દાહોદ જિલ્લા પ્રાયોજના વહીવટદાર કચેરીમાં ફરજ બજાવતા પ્રાયોજના અધિકારી બી ડી નીનામા, પંચાયત સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર ઈશ્વર કોલચા, આ નકલી કચેરી કૌભાંડના મુખ્ય આરોપી અબુ બકરના ભાઈ એજાજ સૈયદ તથા ભાણેજ ડો. સેફઅલી સૈયદની ધરપકડ કરવામાં આવી હતી. આ ગુનાના મુખ્ય આરોપી અબુબકર સૈયદને હાલમાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતા તેને છોટાઉદેપુર સબ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. તેના ટ્રાન્ઝીક્ટ રિમાન્ડ મેળવવાની દાહોદ પોલીસની પ્રક્રિયા ચાલુ છે. ઉપરાંત તમામ આરોપીઓના બેંક એકાઉન્ટ, મની થ્રુ વગેરે તમામ બાબતની તપાસ આમાં આવી રહી છે. પોલીસની તપાસમાં અત્યાર સુધીમાં ૧૩૦ જેટલા એકાઉન્ટ સામે આવ્યા છે. જેમાંથી ૭૦ જેટલા એકાઉન્ટ પોલીસ દ્વારા ફ્રીજ કરવામાં આવ્યા છે.