વડોદરા : શહેરના સમારોડ પર તેમજ હરણી-વારસિયારોડ પર ભ્રષ્ટ્રાચાર આચરીને તોંતીગ બાંધકામો કરીને વિવાદમાં સપડાયેલા માનવ ઈન્ફ્રાસ્ટ્રકચરના સંચાલક આશિષ શાહની હરણી-વારસિયારોડ પર આવેલી બાલાજી વિંડવાળી સાઈટ પર આજે સવારે એરપોર્ટ ઓથોરીટીના અધિકારીઓ માપણી કરવા માટે આવતા મિડિયાકર્મીઓ મોટી સંખ્યામાં આ સાઈટ પર કવરેજ માટે દોડી ગયા હતા. જાેકે મિડિયાકર્મીઓને જાેતા જ ઉશ્કેરાયેલા આશિષ શાહે સિક્યુટીરીટી ગાર્ડની આડમાં પાળેલા ગુંડાઓએ મિડિયાકર્મીઓ સાથે ઉગ્ર તકરાર કર્યા બાદ કેમેરામેન પર હુમલો કરી તેના મોબાઈલ ફોનની લુંટ ચલાવી હતી. આ મામલો વારસિયા પોલીસ મથકમાં પહોંચતા જ પોલીસે પણ રાજકિય દબાણ હોય તેમ મિડિયાકર્મી પર ટ્રેસ પાસીંગનો ગુનો નોંધતા ચકચાર મચી છે.

માનવ ઈન્ફ્રાસ્ટ્રકચરની હરણી-વારસિયારોડ પર બેંકર હોસ્પિટલની બાજુમાં બાલાજી વીંડ નામે સાઈટ ચાલી રહી છે. સાઈટના માલિક નામચીન આશિષ શાહ અને તેના મળતિયાઓએ નદી પર કાંસ બાંધી દઈ તેમજ સરકારી નિયમોનો ભંગ કરીને બાંધકામ કર્યું હોવાની ફરિયાદો ઉઠતા આજે સવારે એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ બાલાજી વીંડ સાઈટ પર બાંધકામની માપણી અને તપાસ કરવા માટે આવ્યા હતા. આ અંગેની મિડિયાકર્મીઓને જાણ થતાં શહેરના પ્રિન્ટ, ઈલેકટ્રોનીક્સ અને પોર્ટલના કેમેરામેનો આ ઘટનાનું કવરેજ કરવા માટે પહોંચી ગયા હતા. દરમિયાન મિડિયાકર્મીઓને કવરેજ કરવા માટે આવ્યા હોવાની જાણ થતાં આશિષ શાહના સિક્યુરીટીના સ્વાંગમાં રાખેલા માથાભારે ગુંડાઓ અને વહીવટી અધિકારીઓએ મિડિયાકર્મીઓને કવરેજ કરતા અટકાવવા માટે પ્રયાસો કરી મેઈનગેટ બંધ કર્યો હતો.

આ દરમિયાન એરપોર્ટ ઓથોરીટીના અધિકારીઓએ કામગીરી શરૂ કરતા મિડિયાકર્મીઓએ કેમેરા અને મોબાઈલ ફોનથી આ કામગીરીનું શુટીંગ શરૂ કર્યું હતું. આ પૈકી સયાજી ન્યુઝના કેમેરામેન મિતેષભાઈ શાહ (ગુરુદત્ત સોસાયટી, વાઘોડિયારોડ) પણ મોબાઈલ ફોનથી ગેટનું અંદરનું કવરેજ લેતા હતા તે સમયે તેને સાઈટના સિક્યુરીટી હેડ ગગનદીપસીંગ ગોપાલસીંગ ગરેવાલે (નીલતતરંગ સોસાયટી, ન્યુ સમારોડ) અંદર બોલાવ્યો હતો અને તું અહીંયા આવીને શુટીંગ કેમ ઉતારે છે તેમ પુછ્યું હતું. મિતેષે પોતાની મિડિયાકર્મી તરીકે ઓળખ આપતા તેને અંદર બોલાવનાર ગગનદીપસીંગે ફોન પર વાત કરતા કરતા મિતેષ પાસે જઈ તેનો મોબાઈલ ફોન ખુંચવી લીધો હતો અને તેની સાથે ઉભેલા સિક્યુરીટી ગાર્ડ ચંદ્રકાન્ત જયસ્વાલ અને બાલાજી વીંડ સાઈટના વાઈસ પ્રેસીડન્ટ અમિત ઝાખડે મળીને મિતેષને પકડી રાખી તેની પર હુમલો કર્યો હતો અને તેની સાથે મારામારી કરી તેના પાછળના ખિસ્સામાં મુકેલો બીજાે મોબાઈલ ફોન પણ લુંટી લીધો હતો. આ હુમલાના પગલે ગભરાયેલો મિતેષ દોડીને બહાર ભાગતા ગેટ ઉપર હાજર સિક્યુરીટીના સ્વાંગમાં ગુંડાએ ધમકી આપી હતી કે તું હવે જાેઈ લે, હું તારા ટાંટિયા તોડી નાખીશ અને તેને મારી નાખીશ. આ ધમકીના પગલે વારસિયા પોલીસ મથક ખાતે મિડિયાકર્મીઓ દોડી જતા પોલીસે મિતેષની ફરિયાદના આધારે સિક્યુરીટી ગાર્ડ સહિતની ત્રિપુટી સામે ફરિયાદ નોંધાવી હતી.

જયારે સામાપક્ષે ગગનદીપસીંગે પણ વારસિયા પોલીસ મથકમાં એવી વળતી ફરિયાદ નોંધાવી હતી કે આજે સવારે એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ માપણી કરવા માટે માટે બાલાજી વીંડવાળી સાઈટ પર આવતા તેણે મેઈન ગેટ ખોલ્યો હતો. આ વખતે મિતેષ શાહ તેની બાઈક પર કોઈ મંજુરી વગર તેમની પ્રિમાઈસીસમાં આવીને મોબાઈલ ફોનથી શુટીંગ ઉતારતો હતો. ગગનદીપસીંગે તેને શુટીંગ કરવાની ના પાડતા મિતેષે તેની સાથે મારામારી કરી શર્ટનું ખિસ્સી ફાડી નાખી અપશબ્દો કહ્યા હતા અને હું તને જાેઈ લઈશ અને ખોટા કેસમાં ફસાવી દઈશ તેમ કહી મારી નાખવાની ધમકી આપી હતી.

બંને પક્ષોને આવતીકાલે પુરાવા સાથે હાજર રહેવા હુકમ

વારસિયા પોલીસ મથકમાં મિતેષની ફરિયાદના પગલે પોલીસે સિક્યુરીટી હેડ ગગનદીપસીંગ તેમજ સિક્યુરીટી ગાર્ડ ચંદ્રકાન્ત જયસ્વાલ અને બાલાજી વીંડ સાઈટના વાઈસ પ્રેસીડન્ટ અમિત ઝાખડને એક તબક્કે પોલીસ મથકમાં બેસાડી દીધા હતા અને તેઓની પાસેથી લુંટ કરેલા બંને મોબાઈલ પણ જપ્ત કર્યા હતા. જાેકે ત્યારબાદ ભેદી સંજાેગોમાં આ ત્રણેયને રવાના કરવામાં આવ્યા હતા. આ અંગે તપાસ અધિકારી પીએસઆઈ મિશ્રાએ જણાવ્યું હતું કે બંને ફરિયાદમાં પંચનામુ કરી અન્ય પુરાવા મેળવવાના બાકી હોઈ બંને પક્ષના ચારેય આરોપીઓને આવતીકાલે સીસીટીવી કેમેરાના ફુટેજ સામે વારસિયા પોલીસ મથકમાં હાજર રહેવા માટે બંને પક્ષોના આરોપીઓના વકીલોને સુચના આપી છે.

ટ્રેસ પાસીંગની ખોટી ફરિયાદ નોંધવા કોનું દબાણ કામ કરી ગયું ?

મિડિયાકર્મીઓ જે જગ્યામાં શુટીંગ માટે ગયા હતા તે માનવ ઈન્ફ્રાસ્ટ્રકચરની માલિકીની નહી પરંતું સરકારી જમીન છે માટે મિડીયાકર્મી સામે ટ્રેસપાસીંગનો ગુનો ના નોંધો તેવી પોલીસ મથકે દોડી આવેલા કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા અમીબેન રાવત અને કોંગી અગ્રણી નરેન્દ્ર રાવતે પોલીસ ઉચ્ચાધિકારીઓને જાણ કરી હતી જાેકે તેમ છતાં વારસિયા પોલીસે મિડિયાકર્મી વિરુધ્ધ ટ્રેસપાસીંગનો ગુનો નોંધી વારસિયા પોલીસે રાજકિય વગ ધરાવતા આશિષ શાહની તરફેણ કરતા વારસિયા પોલીસની કામગીરીથી શંકાઓ ઉભી થઈ છે.