આણંદ : વિશ્વમાં કોરોના વાયરસના સંક્રમણના ફેલાવવાના ખતરાને ધ્યાનમાં લઈ અમૂલની ૭૪મી વાર્ષિક સાધારણ સભામાં તમામ દૂધ મંડળીઓના દૂધ ઉત્પાદકો અલગ-અલગ સ્થળો પર યોજવામાં આવેલી ઓનલાઈન વાર્ષિક સાધારણ સભામાં હાજર રહી બધા જ એજન્ડાનો શાંતિપૂર્વક નિકાલ કર્યો હતો. સાધારણ સભામાં અમૂલના ચેરમેન રામસિંહ પરમારે જણાવ્યું હતું કે, આ વર્ષે સંઘનું ટર્નઓવર રૂપિયા ૭૮૭૪ કરોડને પાર કરી ગયું છે. જે ગત વર્ષના રૂપિયા ૬૯૬૬ કરોડની તુલનામાં ધંધાની કૂલ ૧૩% વૃદ્ધિ દર્શાવે છે. 

રામસિંહ પરમાર ૭૪મી વાર્ષિક સાધારણ સભાના સંબોધનમાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૯-૨૦૨૦ આંતર રાષ્ટ્રીય ડેરી વેપાર માટે ખુબ જ કપરું રહ્યું હોવા છતાં સંઘનું ટર્નઓવર રૂપિયા ૭૮૭૪ કરોડને પાર કરી ગયો છે. જે સંઘના ઈતિહાસમાં સર્વાધિક છે. ગત વર્ષના રૂપિયા ૬૯૬૬ કરોડની તુલનામાં ધંધાની કૂલ ૧૩% વૃદ્ધિ દર્શાવે છે. આપણાં માટે ખૂબ જ સંતોષની વાત છે કે, ચાલું વર્ષે ગત વર્ષના રૂ.૭૪૭.૮૩ની સરખામણીમાં રૂ.૮૧૧ જેટલો પોષણક્ષમ દૂધનો ભાવે આપી શક્યાં હતા. ચાલું વર્ષે દૂધના ભાવ સીઝનમાં પણ આપણે ઘટાડ્યો નથી. તેમજ હર હંમેશની જેમ દૂધનો અંતિમ ભાવ પણ ગત વર્ષ કરતાં વધારે જ મળશે, જેની સર્વને ચોક્કસ ખાતરી આપી હતી.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાના સમયમાં જ્યારે મોટાભાગના ધંધાઓ વ્યવસાયો અને રોજગારી બંધ હતાં, ત્યારે અમૂલ ડેરીએ લગભગ ૬ લાખ દૂધ ઉત્પાદકોના હિતને ધ્યાનમાં રાખીને દૂધ સંપાદનનું કાર્ય જાળવી રાખી દૂધ ઉત્પાદકોને તેમણે આપેલ દૂધનું પૂરેપૂરું વળતર ચૂકવ્યું છે. કોરોનાની આવી પડેલી વિકટ પરિસ્થિતિનો સામનો કરી દેશમાં જ્યારે સંપૂર્ણ લોક-ડાઉન હતું ત્યારે અમૂલે દૂધ સંપાદન તેમજ દૂધ પ્રોસેસિંગનું કાર્ય અવરીત જાળવી રાખ્યું હતું.

અમૂલ ડેરીએ આ વિકટ પરિસ્થિતિમાં સંઘ સંકલિત દૂધ મંડળીના તમામ સભાસદોને ૧ લિટર તેલ અને ૨ કિલો ઘઉંના લોટની રાહત કીટનું વિતરણ કર્યું હતું. સાથેસાથે મંડળીઓ સુધી હાથ સાફ કરવા માટે સેનીટાઈઝર અને માસ્ક પણ સંઘ દ્વારા પહોંચાડવામાં આવ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સિગથી દૂધ સંપાદન કરવાની કાર્ય પદ્ધતિ મંડળીઓના કર્મચારીઓને સમજાવવામાં આવી હતી.

અમૂલ દ્વારા પશુઓની દૂધ ઉત્પાદન વધારવાના હેતુથી વર્ષ દરમિયાન ઉચ્ચ આનુવંશિકતા ધરાવતા ઈમ્પોર્ટેડ એચ.એફ. સાંઢ તેમજ મુરહ ડોઝનું વિતરણ કરવામાં આવેલ હતું. વળી પશુ પાલનના ધંધાને મદદરૂપ થવાના આશયથી આરડા દ્વારા વિવિધ યોજનાઓ જેવી કે એફઆઈ, પી, પેપ, સીઆરપી, એમપીપીનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું. વર્ષ દરમિયાન લીલા ઘાસચારના બિયારણ, સેફટી રબર મેટ તેમજ મિલ્કીંગ મશીન માટે સબસીડી પણ આપવામાં આવી હતી.

દૂધ પ્રોસેસિંગની ક્ષમતામાં પ્રતિદિન ૧૦ લાખ લિટરનો વધારો  

અમૂલ દ્વારા દૂધ અને દહીંની વધતી જતી બજાર માગને ધ્યાનમાં લઈ સંઘે દૂધ પ્રોસેસિંગની ક્ષમતા ૨૬ લાખ લિટર પ્રતિદિન હતી જેને વધારી ૩૬ લાખ લિટર પ્રતિદિન કરેલ છે. તેમજ મોગર ખાતે મીઠાઈનું ઉત્પાદન ચાલુ કરેલ છે જેમાં ગુલાબ જામ્બુન, કોપરા પાક તેમજ હાલમાં રસ મલાઈ અને રસગુલ્લાનું ઉત્પાદન હાથ ધર્યું છે. મોગર ખાતે બેકરી પ્રોડક્ટનું ઉત્પાદન પણ બમણું કર્યું છે.

નવાં પ્લાન્ટનું વિસ્તરણ કરાયું 

અમૂલ દ્વારા કોલકત્તા ખાતે અદ્યતન ડેરી પ્લાન્ટ માટે જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી આ વર્ષમાં તેનું કામ શરૂ કરવા માટે જરૂરી તૈયારીઓ ચાલું છે. તેમજ ખાત્રજ ખાતે ફેડરેશનની જરૂરિયાત પ્રમાણે ચીઝ પ્લાન્ટનું વિસ્તૃતિકરણ કરવાની જરૂરિયાત છે. જેનાં માટે પ્રતિમાસ ૧૩૦૦થી ૧૪૦૦ મેટ્રિક ટન ચેડાર ચીઝ અને ૭૦૦ મેટ્રિક ટન પ્રતિમાસ મોઝરેલા ચીઝ બનાવવા માટે પ્લાન્ટનું વિસ્તૃતિકરણ કરવાનું છે.

અમૂલ ડેરીની ૭૪મી વાર્ષિક સાધારણ સભા ઓનલાઇન યોજાઈ 

અમૂલ ડેરીની ૭૪મી વાર્ષિક સાધારણ સભા ૨૩મી જાન્યુઆરીના રોજ આણંદ, બોરસદ, નડિયાદ, બાલાસિનોર, કઠલાલ, કપડવંજ, વિરપુર, ઠાસરા, માતર, મહેમદાવાદ, રાલેજ અને રંગાઈપુરા અલગ-અલગ ૧૨ સ્થળો ઉપર ઓનલાઈન યોજાઇ હતી. અમૂલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટરએ ચેરમેન, નિયામક મંડળના સભ્યો તેમજ આણંદ-ખેડા-મહિસાગર જિલ્લાની મંડળીઓમાંથી પધારેલ પ્રતિનિધિઓનો, સંઘના અધિકારી અને કર્મચારી ભાઈઓ અને બહેનો આભાર વ્યક્ત કરી સભાને પૂર્ણ કરી હતી.