ગાંધીનગર, ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામ બાદ આમ આદમી પાર્ટીના વડા કેજરીવાલ તથા ગુજરાતના પ્રાંદેશિક નેતાઓ વચ્ચે દિલ્હી ખાતે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કેજરીવાલે ગુજરાતના પ્રાદેશિક નેતાઓને જણાવ્યું કે,ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આપ ને ૨૨ ટકા મતો મળવા બદલ ઉદાસ થવાની જરૂર નથી. ઉપરથી ફટાકડાં ફોડવા જાેઇએ. કેમ કે, દેશમાં પ્રથમ વખત કોઇ રાજયમાં કોઇ પક્ષ ચૂંટણી લડે અને તેને ૨૨ ટકા મતો મળવા તે મોટી વાત હોવાનું જણાવ્યું હતું. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા, નેતા ઇસુદાન ગઢવી, નેતા મહેશ સવાણી તેમ જ કિશોર કાકા, જિલ્લા પ્રભારીઓ સહિત ૨૫ જણાંનું પ્રતિનિધિ મંડળ આજે આમ આદમી પાર્ટીના વડા તથા દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને મળવા પહોંચ્યું હતું.મુખ્યમંત્રીના કોન્ફરન્સ હોલમાં સતત બે કલાક ચાલેલી બેઠકમાં ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીથી માંડીને ગુજરાત વિધાનસભાની આગામી ૨૦૨૨માં યોજાનારી ચૂંટણીને લઇને ચર્ચાઓ થઇ હતી. તેમાં ગુજરાતના પ્રાદેશિક નેતાઓએ ગાંધીનગર મહાનગરપાલિકાના પરિણામ અંગે જણાવ્યું હતું કે, ઉમેદવારો નવા હતા, તેમને રાજકારણનો કોઇ અનુભવ ન હતો. જેના જવાબમાં કેજરીવાલે જણાવ્યું હતું કે, ભાજપના મંત્રીઓ સહિતના નેતાઓ ગાંધીનગરમાં ઉતરી પડયા હતા. દુનિયાનો કોઇપણ રાજકીય પક્ષ હોય તે પહેલી ચૂંટણીમાં ૨૨ ટકા મતો લઇ જાય તે ક્રાંતિ કહેવાય. તેમાંય વળી ૧૮ દિવસ જેટલાં ઓછા દિવસોના પ્રચારમાં આટલી સફળતા મળવા બદલ તમારે ઉદાસ થવાની જરૂર નથી. ફટાકડાં ફોડવા જાેઇએ. ૧૮ દિવસની મહેનતમાં તમે આટલું સારું પરિણામ મેળવી શકતા હોવ તો ૨૦૨૨ની ચૂંટણીમાં તમને કોઇ હરાવી નહીં શકે. રાગદ્રેષ કે વેરઝેરની નિતિ નહીં કામ કરવાની નીતિ રાખવાની અને પ્રજાની વચ્ચે રહીને પ્રશ્નોના કામ કરતાં રહેવાની સૂચના આપી હતી.