વડોદરા, તા.૨૧ 


રવિવારના રોજ વડોદરામાં ખંડગ્રાસ સૂર્યગ્રહણ દેખાયું હતું. શહેરના ખગોળરસિકો ગ્રહણની શરૂઆતથીજ જોવા ઉત્સુક હતા. તેઓએ વાદળોના વિઘ્‌ન વચ્ચે ગ્રહણ જોયું હતું. વડોદરામાં સવારે ૧૦.૦૪ વાગે સૂર્યગ્રહણનો આરંભ થયો હતો. ગ્રહણનું મધ્યાંતર સવારે ૧૧.૪૩ વાગે હતું. આ ગ્રહણથી ૭૯ ટકા જેટલો સૂર્ય ઢંકાઈ ગયો હતો. બપોરે ૧.૩૩ વાગે ગ્રહણ સમાપ્ત થયું હતું.

આમ સૂર્યગ્રહણ ૩ કલાક ૨૯ મિનીટ સુધી ચાલ્યું હતું. શહેરના વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓએ સુરક્ષિત સોલર ફિલ્ટર, ટેલિસ્કોપ અને બાયનોક્યુલર દ્વારા ગ્રહણ નિહાળ્યું હતું. વાદળોની સેના ગ્રહણના સમય દરમિયાન સૂર્ય સામેથી પસાર થતી રહેતી હતી. દેશના ઉત્તરના કેટલાક ભાગોમાં કંકણાકૃતિ સૂર્યગ્રહણ જોવા મળ્યું હતું. શહેરની ખગોળવિજ્ઞાન પ્રચારક સંસ્થાઓ ધી એમેચ્યોર એસ્ટ્રોનોમર્સ એસોસિઅશન ઓફ વડોદરા (એએએવી) અને ગુજરાત નેચર કન્ઝર્વેશન સોસાયટી (જી.એન.સી.એસ)એ ખંડગ્રાસ સૂર્યગ્રહણ જોવા માટે લાઈવ વેબકાસ્ટની વ્યવસ્થા કરી હતી. આ સંસ્થાઓએ વેબકાસ્ટ કરીને ખગોળપ્રેમીઓને લાઈવ ગ્રહણ દેખાડ્‌યું હતું. દેશના ઉત્તર ભાગમાં થનારા કંકણાકૃતિ સૂર્યગ્રહણને પણ લાઈવ દેખાડાયું હતું. એએએવીના ભાર્ગવ જોષી સહીત અન્ય સદસ્યોએ એસ્ટ્રોફોટોગ્રાફી, ગ્રહણનું દસ્તાવેજીકારણ અને વૈજ્ઞાનિક પ્રયોગો કર્યા હતા. તેઓએ ગ્રહણની ગેરમાર્ગે દોરનારી વાતો પર ધ્યાન ન આપવાનું જણાવ્યું હતું. જી.એન.સી.એસ. સાથે સંકળાયેલા વિદ્યાર્થીએ વૈજ્ઞાનિક પ્રયોગો

કર્યા હતા.

આભાર - નિહારીકા રવિયા