વડોદરા : વડોદરા તાલુકાના ધનોરા ગામ નજીકના જગતપુરા ગામના બૂટલગરોના ખોફથી ભયભીત થઈ ગામ છોડીને મામાના ઘરે રહેતા ૧૭ વર્ષીય કિશોરે મુખ્યમંત્રીને પત્ર લખીને આત્મવિલોપન કરવાની મંજૂરી માગી હતી. આજે તે મામાના ઘરેથી સીધો જ આત્મવિલોપન કરવા કલેકટર કચેરી ખાતે દોડી આવ્યો હતો. જાે કે, આ બનાવની જાણ પોલીસ અને તેના વાલીને થતાં તેઓ કલેકટર કચેરી ખાતે દોડી આવ્યા હતા અને પોલીસે કિશોર અને તેના માતા-પિતા અને બહેનની અટકાયત કરી હતી. જાે કે, પોલીસે તેમના નિવેદન નોંધી પોલીસ મથકેથી રવાના કર્યા હતા. 

આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર વડોદરા તાલુકાના ધનોરા ગામ નજીક જગતપુરા ગામમાં નરેશ ગોવિંદભાઈ ગોહિલ પરિવાર સાથે રહે છે. તે ગામમાં દારૂનો ધંધો કરતા ઉપેન્દ્ર ગોહિલ અને મહેશ ગોહિલ નામના માથાભારે શખ્સો પોલીસ વિભાગમાં વગ ધરાવતા હોવાથી બૂટલેગરોને ત્યાં કામ કરતા યુવાનના કહેવાથી તે બૂટલેગરના ઘરે મોબાઈલ ફોન આપવા માટે ગયો હતો. બૂટલેગરોના ઘરે કોઈ ન હોવાથી નરેશ ગોહિલે ઘરમાં હાજર મહિલાઓને મોબાઈલ ફોન આપ્યો હતો, જેની અદાવત રાખી ગોહિલ બૂટલેગર બંધુઓએ કિશોરને માર માર્યો હતો અને ગામમાં રહીશ તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. બૂટલેગરોની ધમકીથી ભયભીત થયેલ નરેશે ગોહિલ ઘણાં સમયથી તે સાવલી તાલુકાના સીતરાપુરા મામાના ઘરે રહેવા જતો રહ્યો હતો. ગામમાં પરત ફરવા માટે કિશોર નરેશ ગોહિલે પોલીસને રજૂઆત કરી હતી. પરંતુ પોલીસમાં વગ ધરાવતા બૂટલેગરો સાથે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતાં બૂટલેગરોથી ત્રાહિમામ્‌ અને ભયભીત થયેલા નરેશ ગોહિલે મુખ્યમંત્રીને આત્મવિલોપન કરવાની મંજૂરી માગતો પત્ર લખ્યો હતો. ત્યાર બાદ આત્મવિલોપન કરી મરી જવાનું નક્કી કરી કિશોર નરેશ જ્વલનશીલ પ્રવાહી સાથે આજે કલેકટર કચેરી ખાતે આવી પહોંચ્યો હતો. આ બનાવની જાણ રાવપુરા પોલીસ અને તેના પરિવારજનોને થતાં તેઓ કલેકટર કચેરી ખાતે દોડી આવ્યા હતા અને તે આત્મવિલોપન કરે તે પૂર્વે જ રાવપુરા પોલીસે નરેશ ગોહિલ અને તેના માતા-પિતા અને બહેનની અટકાયત કરી હતી અને પોલીસ મથકે લાવી તેમના નિવેદનો નોંધી રવાના કર્યા હતા. જાે કે, નરેશે પોતાને અને પરિવારને રક્ષણ આપવા અથવા તો મરી જવા દો તેમ જણાવી રોષ ઠાલવ્યો હતો.