મેલબોર્ન

સર્બિયાના સ્ટાર ખેલાડી નોવાક જોકોવિચ એ રવિવારે રોડ લેવર એરેનામાં રેકોર્ડ નવમી વખત ઓસ્ટ્રેલિયન ઓપન નું ટાઇટલ પોતાના નામે કર્યું. ફાઇનલ માં રશિયાના ડેનિયલ મેદવેદેવને ૭-૫, ૬-૨, ૬-૨ થી પરાજય આપતા વિશ્વના નંબર એક ખેલાડીએ ૧૮મું ગ્રાન્ડસ્લેમ ટાઇટલ પોતાના નામે કર્યુ છે. વિશ્વના ચોથી રેન્કિંગ ધરાવનાર મેદવેદેવ પ્રથમ સેટથી જ મેચની બહાર લાગી રહ્યો હતો. સતત ત્રીજી અને કુલ નવમી વખત ઓસ્ટ્રેલિયન ઓપન જીતનાર જોકોવિચ પ્રથમ અને વિશ્વનો એકમાત્ર ખેલાડી છે. ઓસ્ટ્રેલિયન ઓપનના ઈતિહાસમાં ૩૦ વર્ષની ઉંમર બાદ ત્રણ વખત ફાઇનલમાં પહોંચનાર જોકોવિચ પ્રથમ ખેલાડી બન્યો હતો. મેદવેદેવ અમેરિકન ઓપન ફાઇનલમાં હારી ગયો હતો અને હવે તેને ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં હાર મળી છે. મહત્વનું છે કે જોકોવિચ મેમાં ૩૪ વર્ષનો થઈ ગયો અને તે ૧૫ વર્ષથી પોતાનો દબદબો રાખનારા ફેડરર અને નડાલની જમાતનો ખેલાડી છે. જ્યારે ૨૫ વર્ષનો મેદવેદેવ વિશ્વ ટેનિસની આગામી પેઢીનો પ્રતિનિધિ છે. ફેડરર, નડાલ અને જોકોવિચે મળીને છેલ્લા ૧૬માંથી ૧૫ ગ્રાન્ડસ્લેમ જીત્યા છે. 

જોકોવિચનો ઓસ્ટ્રેલિયન ઓપન સેમીફાઇનલ અને ફાઇનલમાં રેકોર્ડ ૧૮-૦નો છે. જો નડાલને લાલ બજરીનો બાદશાહ કહેવામાં આવે છે તો મેલબોર્ન પાર્કનો ધુરંધર જોકોવિચ છે.