વડોદરા, તા. ૩૦

શહેરમાં લગ્નસરાની મોસમ શરૂ થતાં જ મહેમાનના સ્વાંગમાં ઘુસીને વર-વધુને ગીફ્ટમાં મળેલા કિંમતી દાગીના અને રોકડ રકમ ભરેલા પર્સની ઉઠાંતરી ગેંગ પણ સક્રિય બની હોવાનો કિસ્સો તાજેતરમાં સમા સાવલી રોડ પર બન્યો છે. જાેકે નવાઈની વાત તો એ છે આ સમગ્ર બનાવને પાર્ટીપ્લોટના સંચાલકો સાથે ચોરીનો ભોગ બનેલા ડોક્ટરે પણ ભેદી ચુપકિદી સેવતા સમગ્ર બનાવ પર પડદો પાડવાનો પ્રયાસ કરતા આ બનાવમાં અનેક શંકાના વમળો સર્જાયા છે. વાઘોડિયારોડ પર આવેલી પ્રાચીપાર્કમાં રહેતા ડો.ભાવિન ચંપકલાલ શાહ વાઘોડિયારોડ પર વૃંદાવનચોકડી પાસે પુજા ક્લિનિકમાં પ્રેકટીસ કરે છે. તેમની પુત્રી પુજાનું ૨૬મી તારીખેના રાત્રે સમા-સાવલીરોડ પર આવેલા અવસર ગ્રીન પાર્ટીપ્લોટમાં લગ્ન યોજાયું હતું. બંને પક્ષના પરિવારજનો અને મહેમાનો લગ્નની મજા માણતા હતા તે સમયે મહેમાનના સ્વાંગમાં ઘુસેલા ગઠિયાઓએ સ્ટેજ પર નવોઢા સાથે બેઠેલી બહેનની નજર ચુકવીને દાગીના-રોકડ સહિત ચાર લાખની મત્તા ભરેલુ ૫ર્સ સેરવી લઈ ફરાર થયો હતો. અવસર ગ્રીન પાર્ટી પ્લોટના સંચાલકો આબરુ જવાની બીકે આ બનાવ પર પડદો પાડે તે સ્વભાવિક છે પરંતું ખુદ ડો.ભાવિન શાહે પણ આ બનાવમાં ભેદી ચુપકિદી સેવી કોઈ વિગતો આપવામાં ઠાગાઠૈયા કરતા સમગ્ર બનાવે અનેક શંકાઓ ઉભી કરી છે.

ચોરીના બનાવનો ટોપલો પોલીસ પર ઢોળ્યો

ડો. ભાવિન શાહને ત્યા લગ્ન પ્રસંગમાં ચોરી થઈ અને પોલીસ ફરીયાદ થઇ તેનાથી તે અજાણ હતા તેમ જણાવ્યુ હતુ. જેથી પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થાય છે કે ફરીયાદ આવી ક્યાથી કે પછી પોલીસે જાતે જ આ ફરીયાદ કરી કે પછી પોલીસ, ડો. ભાવિન શાહ અને અવસર પાર્ટી પ્લોટના મેનેજમેન્ટ ચોરીની કોઇ માહીતી છે કે પછી આંખ આડા કાન કરે છે કે પછી માલેતુજારુઓને પોલીસ દ્વારા બચાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે.

ચોરીનો બનાવ છુપાવવા મીડીયાથી મોં સંતાડીને ભાગ્યા

આ અંગે અવસર પાર્ટી પ્લોટ પર વિગત લેવા માટે ગયા હતા ત્યારે અવસર પાર્ટી પ્લોટના ભાવિન અને નરેશ નામના સંચાલકોએ જવાબ આપવાનું ટાળી અવસર પાર્ટી પ્લોટમાં થયેલ ચોરીને દબાવવાનો પ્રયાસ કર્યો હતો. તેઓએ જણાવ્યુ હતુ કે તમારે વિગત જાેતી હોય તો પોલીસને કહો અમારી પાર્ટી પ્લોટ પર કેમ આવ્યા તેમ કહી તેમના અવસર પાર્ટી પ્લોટની ચોરી છુપાવવા હવે તેમણે પોલીસ પર દોષનો ટોપલો નાખ્યો હતો, જાેકે મીડીયાનો કેમેરો ખુલતાની સાથે જ અવસર પાર્ટી પ્લોટના મેનેજમેન્ટ મોં સતાડીને કેબીનમાં ભાગી ગયા બાદ સિકયુરીટી ગાર્ડને ધ્યાન રાખવા જણાવ્યું હતું.

ત્રણ દિવસ બાદ સમા પોલીસે ફરીયાદ નોંધતા અનેક તર્ક વિતર્કો

સમા સાવલી રોડ પર આવેલ અવસર પાર્ટી પ્લોટમાં શહેરના એક નામાંકીત તબીબ ડો.ભાવીન શાહની પુત્રી પુજાના લગ્ન તા. ૨૬ને શનિવારના રોજ કરવામાં આવ્યા હતા. ત્યારે લગ્ન પ્રસંગમાં સગાસંબધીએ આપેલી મોઘીઘાટ ગીફટો અને સોના ચાંદીના ઘરેણા એક બેગમાં મુકયા હતા. તે બેગ લઇને કોઇ અજાણ્યા તસ્કરો ચોરી કરીને પલાયન થઇ ગયા હતા. ત્યારબાદ ચોરી થયાના ત્રણ દિવસ બાદ સમા પોલીસે આ બનાવની ફરીયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

ડોકટરના જુઠાણાનો ફરિયાદ નોંધાતા પર્દાફાશ

અવસર પાર્ટી પ્લોટમાં ડો.ભાવીન શાહના પુત્રીના લગ્ન પ્રસંગમાં એવી તો કેટલીક મોટી ચોરી થઇ હતી. ચોરીની ફરીયાદ પોલીસ દ્વારા નોંધાતા ફરીયાદી દ્વારા માધ્યમોનો સંપર્ક કરીને વિગતો સામેથી આપતા હોય છે. પરંતુ આ બનાવમાં ડો. ભાવિન શાહએ ફરીયાદ નોંધાવી હોવા છતા પણ મે કોઇ પોલીસ ફરીયાદ નોંધાવી નથી તેવુ સાવ જુઠાણુ બોલીને તમને આ ચોરીમાં કેમ રસ છે તેવો વાહીયાત સવાલ કર્યો હતો.