વડોદરા : શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ કોર્પોરેશનની ગ્રીન બેલ્ટની કિમતી જમીનો વૃક્ષારોપણના બહાને સ્વૈચ્છીક સંસ્થાઓને પધરાવી દેવાના કારસામાં અગાઉ ફાળવેલા ૪૬ પ્લોટો પૈકી ઘણા પ્લોટોમાં એકપણ છોડ લગાડવામાં આવ્યો નથી. અને પાક્કુ બાંધકામ કરાયું છે ત્યારે પહેલા અગાઉ ફાળવેલા પ્લોટોની તપાસ કરી દુરૂપયોગ જણાય તો તેને પાછા લો અને નવા ગ્રીન બેલ્ટના પ્લોટોની ફાળવણી માટે પોલીસી બતાવી સામાન્ય સભાની મંજૂરી બાદ પાર દર્શકતા જાળવવા માગ વિપક્ષના સભ્યોએ કરી છે.

શહેરમાં કોર્પોરેશનની માલિકીના ખુલ્લા તેમજ ગ્રીન બેલ્ટના પ્લોટો એન.જી.ઓ અને સ્વૈચ્છીક સંસ્થાઓને સોપવા સંદર્ભે કોંગ્રેસ પક્ષના નેતા અમી રાવતે વિરોધ કરતા જણાવ્યું હતું કે, આજદિન સુધી સામાન્ય સભા કે સ્થીયી સમિતિમા આ ગ્રીન બેલ્ટની જમીન કોઇ એન.જી.ઓ કે સ્વૈચ્છિક સંસ્થાને આપવા અંગે ચર્ચા કરવામાં આવેલ નથી. જાે કોઇ સ્વૈચ્છિક સંસ્થાને વડોદરા મહાનગરપાલિકાની જમીન સોંપવાની હોય તો તેની મંજૂરી તે અંગેની પોલીસી વિગેરેની મંજૂરી સામાન્ય સભામાંથી લેવામાં આવે છે. શહેર વન અને ગ્રીન સ્પેસનો વિકાસ ખુબ જ મહત્વપૂર્ણનો વિષય છે અને તે અગ્રતાના ધોરણે થવું જાેઇએ પરંતુ શહેરી વનીકરણ માટે કોઇ પણ ગ્રીન બેલ્ટની જમીન આપવી હોય તો તે અંગેની બધી પ્રક્રિયાઓનું પાલન કરવું જાેઇએ અને સંપૂર્ણ પારદર્શીતા જાળવવી જાેઇએ.

પ્રથમ કાર્યક્રમની સંપૂર્ણ યોજના, એજન્સીઓની પસંદગીના માપદંડ, શરતો અને શરતો અંગેની સ્પષ્ટતાની મંજૂરી માટે સામાન્ય સભામાં લાવવી જાેઇએ. વર્તમાનપત્રોમા જાહેરાતો આપ્યા પછી દરખાસ્ત રજૂ કરવી જાેઇએ. જમીનની ફાળવણી કરતાં પહેલા તેની યોગ્ય તપાસ કરવી જાેઇએ. ગ્રીન બેલ્ટની જમીન ઉપર કોઇ પણ પ્રકારની વ્યવસાયિક પ્રવૃત્તિને મંજૂરી આપવી જાેઇએ નહીં. સીએસઆરએ ફંડ વનીકરણના હેતુ માટે આપવામાં આવેલી જમીનનો સમયગાળો, અન્ય શરતો સ્પષ્ટ રીતે નક્કી કરેલો હોવો જાેઇએ. આ સમયગાળા દરમિયાન આ જમીનની કોઇ પણ પ્રકારની માલિકી હક્ક આપવો નહી અને ફક્ત વૃક્ષારોપણની પરવાનગી આપવી જાેઇએ જ્યારે સ્થાયી સમિતિ દ્વારા સને ૧૯૯૧માં ૪૬ પ્લોટોની ફાળવણી વિકાસ માટે આપવામાં આવેલ છે. તેમાંથી કેટલાક પ્લોટોનો ઉપયોગ વિકાસ માટે કરવામાં આવ્યો અને થોડા સમય બાદ આ ગ્રીન બેલ્ટની જમીનનો ઉપયોગ વેપારીકરણ અને ઓફિસો બનાવવીને આ સરકારી જમીનનો ઉપયોગ થાય છે. મારી માગણી છે કે, સને ૧૯૯૧મા ફાળવવામાં આવેલી જમીનનો ઉપયોગ અંગે તપાસ થવી જાેઇએ. આ અગાઉ ફાળવેલ જમીનની શુ પરિસ્થિતિ છે? તેને સામાન્ય સભામાં આ રીપોર્ટ રજૂ કરવો જાેઇએ.જ્યારે પૂર્વવિપક્ષના નેતા અને સિનિયર કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું કે વડોદરા કોર્પોરેશને ગ્રીન બેલ્ટ વિકસાવવા એટલે કે શહેરમાં ગ્રીનરી રહે અને શહેર સારૂ દેખાય તે હેતુથી પાર્કસ એન્ડ ગાર્ડન શાખાને સત્તા આપવામાં આવેલી હતી. જેમાં આશરે ૪૬ પ્લોટો કોર્પોરેશને દત્તક આપેલ છે. પરંતુ સત્તાનો દુરઉપયોગ કરી ઘણા પ્લોટો તો એવા છે કે જ્યા એક પણ છોડ લગાવવામાં આવ્યા નથી અને ત્યા પાકુ બાંધકામ થઇ ગયું છે. આવા તમામ પ્લોટ પાછા લેવા જાેઇએ. ગ્રીન બેલ્ટની જગ્યા છોડ ઉછેરવા માટે પાંચ વર્ષના સમય માટે આપવામાં આવે છે અને પાંચ વર્ષમાં કોઇ ડેવલપમેન્ટ ના થયું હોય તો તેણે પાછા લઇ લેવા જાેઇએ પણ અહિયાં તો દલા તલવાડીની નિતી ચાલી રહી છે અને પોતાના મનગમતા લોકોને અથવા એન.જી.ઓ પ્લોટો આપી પોતાના મળતીયાને કમાવાનો ધંધો કરી આપ્યો છે તેવુ લાગી રહ્યું છે. જેતે ઠરાવ કાયમ માટે ચાલતા નથી.

એનજીઓ અને સ્વૈચ્છીક સંસ્થાઓને ૭૫ પ્લોટ એગ્રીમેન્ટ કરીને ફાળવાશે

ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના જન્મદિવસ તથા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે શહેરને ઓક્સીજનયુક્ત રાખવાના પ્રયત્નોને સઘન બનાવવા ગ્રીન ઓપન સ્પેસમાં અર્બન ફોરેસ્ટ વિક્સાવવા પાલિકા દ્વારા મેયર કેયુર રોકડિયાના હસ્તે શહેરની વિવિધ સેવાભાવી સામાજીક સંસ્થાઓને ૭૫ પ્લોટ દત્તક આપવાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. મેયરે જણાવ્યું હતું કે, કોરોનાના કપરાકાળમાં સૌને ઓક્સીજનની જરૂરીયાતનું મહત્વ સમજાયું છે માટે શહેરના સૌથી મોટા સયાજીબાગ સિવાયના વિવિધ વિસ્તારમાં ગ્રીન ઓપન સ્પેસના પ્લોટને અર્બન ફોરેસ્ટ તરીકે વિક્સાવી પર્યાવરણની જાળવણી થઇ શકે અને વાતાવરણમાં ઓક્સીજનની માત્રા પર્યાપ્ત રીતે જળવાઇ રહે તેવા હેતુથી શહેરની વિવિધ સેવાભાવી સામાજીક સંસ્થાઓને ૭૫ પ્લોટ એગ્રીમેન્ટ કરીને વૃક્ષારોપણ જેવી પ્રવૃત્તિ માટે દત્તક આપવાનું કામ આગામી સમયમાં હાથ ધરવામાં આવશે. આ તમામ પ્લોટમાં આરોગ્યવન નક્ષત્રવન નંદનવન તથા આરબોરેટન જેવી વિવિધ થીમ આધારીત અર્બન ફોરેસ્ટ વિકસાવવામાં આવશે.