સેન્ચ્યુરીયન

પાકિસ્તાને ત્રીજી ટી-૨૦ માં સાઉથ આફ્રિકાને ૯ વિકેટથી હરાવ્યું હતું. આ સાથે ટીમે ચાર મેચની શ્રેણીમાં ૨-૧થી લીડ મેળવી લીધી છે. કેપ્ટન બાબર આઝમે સદી ફટકારી હતી. તેની ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં બાબર આઝમની આ પ્રથમ સદી છે. ટીમે પ્રથમ વખત ટી-૨૦ માં લક્ષ્યનો પીછો કરતાં ૨૦૦ થી વધુ રન બનાવી મેચ જીતી લીધી હતી. મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને બોલિંગનો ર્નિણય લીધો હતો. દક્ષિણ આફ્રિકાના ઓપનર બેટ્‌સમેન જાનેમન મલાન (૫૫) અને એડમ માર્કરામ (૬૩) એ પ્રથમ વિકેટ માટે ૧૦૮ રનની ભાગીદારી નોંધાવી હતી. અંતે વેન ડર ડ્યુસેને અણનમ ૩૪ રન બનાવ્યા અને ૨૦૦ નો સ્કોર આગળ વધાર્યો. ટીમે ૨૦ ઓવરમાં ૫ વિકેટે ૨૦૩ રન બનાવ્યા હતા. શાહિન શાહ આફ્રિદી, મોહમ્મદ નવાઝ, હસન અલી, હરીસ રૌફ અને ફહિમ અશરફે ૯ થી વધુ ઇકોનોમી રન આપ્યા હતા. જોકે નવાઝે બે વિકેટ લીધી હતી.

પાકિસ્તાને ૨૦૪ રનનો લક્ષ્યાંક ૧૮ ઓવરમાં એક વિકેટ પર હાંસલ કર્યો હતો. બાબર આઝમે ૫૯ બોલમાં વિસ્ફોટક ૧૨૨ રન બનાવ્યા હતા. બાબર આઝમની ૫૦ મી ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમવાની આ પ્રથમ સદી છે. આ પહેલા તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ ૯૭ રન હતો. આ સિવાય વિકેટકીપર રિઝવાને અણનમ ૭૩ રન બનાવ્યા હતા. બાબર અને રિઝવાને પ્રથમ વિકેટ માટે ૧૯૭ રન જોડ્યા હતા. ફકર ઝમન પણ ૮ રન બનાવીને અણનમ રહ્યો. અંતિમ ટી ૨૦ મેચ ૧૬ એપ્રિલના રોજ રમાશે.

ટી-૨૦ સીરીઝ પહેલા પાકિસ્તાને વનડે સિરીઝ ૨-૧થી કબજે કરી. કેપ્ટન બાબર આઝમે શ્રેણીમાં સારો દેખાવ કર્યો હતો. વનડે રેન્કિંગમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને પાછળ છોડી તે નંબર-૧ પર પહોંચી ગયો છે. સાઉથ આફ્રિકા પ્રવાસ બાદ પાક ટીમ ઝિમ્બાબ્વે જશે. ત્યાં ટીમે ત્રણ ટી-૨૦ અને બે ટેસ્ટ સિરીઝ રમવાની છે.