મુંબઇ  

એક્ટર વિવેક ઓબેરોયના મુંબઈના જુહૂ સ્થિત ઘરમાં બેંગલુરુ પોલીસે દરોડા પાડ્યા હતા. 15 ઓક્ટોબરના રોજ બપોરે એક વાગે બેંગલુરુ પોલીસના બે ઈન્સ્પેક્ટર એક્ટરના ઘરે આવ્યા હતા અને વિવેકની પત્ની પ્રિયંકાની પૂછપરછ કરી હતી. બેંગલુરુ પોલીસ સેન્ડલવુડ ડ્રગ રેકેટ કેસમાં વિવેકના સાળા આદિત્ય અલવાને શોધે છે. સૂત્રોના મતે, પોલીસને શંકા છે કે આદિત્યને ભગાડવામાં તેની બહેન એટલે કે વિવેકની પત્ની પ્રિયંકાએ મદદ કરી છે. આદિત્ય એક મહિનાથી ફરાર છે.

આદિત્ય કર્ણાટકના પૂર્વ મંત્રી જીવરાજ અલવાનો દીકરો છે. તેની પર કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકારોને કથિત રીતે ડ્રગ્સ સપ્લાય કર્યું હોવાનો આક્ષેપ છે. આ કેસમાં ક્રાઈમ બ્રાંચની ટીમે કન્નડ એક્ટ્રેસ રાગિની દ્વિવેદી સહિત 10થી વધુ લોકોની ધરપકડ કરી છે.

દરોડા દરમિયાન પોલીસ અધિકારીએ કહ્યું હતું, 'સેન્ડલવુડ ડ્રગ્સ કેસમાં આદિત્ય ફરાર છે. અમને માહિતી મળી હતી કે અલવા વિવેક ઓબેરોયના ઘરમાં છુપાયેલો છે. તેને શોધવા માટે અહીંયા દરોડા પાડવામાં આવ્યા હતા. કોર્ટમાંથી વોરંટ લેવામાં આવ્યું હતું અને પછી ક્રાઈમ બ્રાંચની ટીમ મુંબઈ આવી હતી.'

સેન્ડલવુડ ડ્રગ રેકેટ કેસમાં ચાર સપ્ટેમ્બરના રોજ રાગિનીની ધરપકડ કરી હતી. ત્યારબાદ રાગિનીનો પહેલો ડોપ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. એક્ટ્રેસે પોતાના સેમ્પલ સાથે ચેડાં કર્યાં હતાં. રાગિની ઉપરાંત કન્નડ એક્ટ્રેસ સંજના ગલરાનીની પણ ધરપકડ કરવામાં આવી હતી.