ભરૂચ

ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારે વાતાવરણમાં ધુમ્મસની ચાદર છવાઇ ગઇ હતી. ઝીરો વિઝિબીલીટીના કારણે વાહનચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહયો છે. સોમવારની વહેલી સવારે દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણ જાેવા મળ્યું હતું, ભરૂચ શહેર સહિત જિલ્લાભરમાં પણ ધુમ્મસની ચાદર પથરાઈ હતી. સમગ્ર ભરૂચ શહેર તેમજ આસપાસના વિસ્તાર જાણે ધુમ્મસની ચાદરમાં લપેટાય ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ભરૂચ તથા અંકલેશ્વર શહેરમાં ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે જાણે માર્ગો પણ અદ્રશ્ય થઈ ગયા હતા. ધુમ્મસના પગલે માર્ગ પર ઝીરો વિઝીબિલિટી હોવાના કારણે અનેક વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. નોકરિયાત વર્ગનો પણ સમય વેડફાયો હતો. તો સાથે જ ધુમ્મસના કારણે જિલ્લાભરમાં ઠંડીનું પ્રમાણ પણ વધુ જાેવા મળ્યું હતું. જાેકે અમુક કલાકો બાદ સૂર્યદેવના આગમનથી ધુમ્મસના પ્રમાણમાં ઘટાડો થવાની પણ શરૂઆત થઈ હતી.