ગાંધીનગર-

વર્ષના સૌથી મોટા તહેવારોમાંથી એક એવા દિવાળીના તહેવાર અગાઉ રાજ્ય સરકારે પોતાના કર્મચારીઓને 3 મહિનાનું મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે તેવી જાહેરાત ડેપ્યુટી સીએમ નિતિન પટેલે કરી હતી. ક્લાસ-4ના 30 હજાર કર્મચારીઓને 3500 રૂપિયા લેખે મોંઘવારી ભથ્થું અપાશે. જોકે ભથ્થા આપવાના કારણે રાજ્યની તિજોરી પર 464 કરોડનો બોજો પડશે.

ડે.સીએમ નિતિન પટેલે જણાવ્યું,'દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે ક્લાસ-4ના કર્મચારીઓ ઉત્સાહપૂર્વક દિવાળી ઉજવી શકે તે માટે અમે બોનસ આપવાનો નિર્ણય કર્યો છે. સીએમ વિજય રૂપાણી સાથે ચર્ચા કર્યા બાદ ક્લાસ-4ના કર્મીઓ માટે 3500 રૂપિયાની મર્યાદામાં બોનસ આપી દિવાળી ભેટ આપી છે. જેનો લાભ રાજ્ય સરકારના કર્મચારીઓ, બિન-સરકારી શાળાઓ અને કોલેજોના કર્મચારીઓ તથા ગ્રાન્ટ ઈન એઈડ સંસ્થાઓના ક્લાસ-4ના કુલ 30,960 કર્મચારીઓને લાભ થશે.' 

નિતિન પટેલે કહ્યું હતું કે, 'રાજ્યમાં કોરોનાના કારણે સરકારની આવક ઘટી છે. કોરોનાને લીધે અનેક કામો અટવાયા હતા. આ ઉપરાંત રાજ્યના કર્મચારીઓને છેલ્લા 6 મહિનાનું મોંઘવારી ભથ્થું પણ ચૂકવી શકાયું ન હતું. હવે દિવાળી અગાઉ ક્લાસ-4ના કર્મચારીઓને 3500 લેખે મોંઘવારી ભથ્થુ આપી દેવાશે. નિવૃત્ત કર્મચારીઓને પણ તેનો લાભ મળશે.'