દિલ્હી-

દેશભરમાં એકાદ મહિનો કોરોના કેસો ઘટ્યા બાદ હવે ફરીથી કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં એકાએક ઉછાળો આવ્યો છે. નોંધનીય વાત એ છે કે, જાન્યુઆરીમાં એકંદરે 87,000 એક્ટીવ કેસો ઘટ્યા હતા, જ્યારે ફેબ્રુઆરીમાં ઘટવાને બદલે 1.65 લાખ કેસોનો વધારો નોંધાયો છે. 

છેલ્લા પાંચ દિવસોથી દેશમાં એક્ટીવ કેસોની સંખ્યા 15,000થી વધારે નોંધાઈ રહી છે, એટલે કે કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. રવિવારે દેશમાં 15,614 લોકોને કોરોના સંક્રમણ જણાયું હતું. એ જ દિવસે 11,291 દર્દીઓ સાજા થઈ ગયા હતા જ્યારે 108 દર્દીઓ મોતને ભેટ્યા હતા. અત્યાર સુધી 1.11 કરોડથી વધારે લોકોને સંક્રમણ થઈ ચૂક્યું છે, જે પૈકી 1.07 કરોડ લોકો સાજા થયા છે. 1.57 લાખ લોકો મોતને ભેટ્યા છે. જ્યારે 1.65 લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે.  મહારાષ્ટ્રમાં રવિવારે 8,293 દર્દીઓને કોરોના સંક્રમણ જણાયું હતું. આ પૈકી 3,753 લોકો સાજા થયા હતા અને 62 દર્દીઓ મોતને ભેટ્યા હતા. મહારાષ્ટ્ર ઉપરાંત કેરળ, મધ્યપ્રદેશ અને પંજાબ જેવા રાજ્યોમાં હજી કોરોનાની હાલત ચિંતાજનક છે.