વડોદરા, તા.૧૨

આણંદ જિલ્લાના ઉમેટા પાસે મહિસાગર નદીમાંથી વડોદરાના શહેર ભાજપના વોર્ડ નંબર - ૧૮ના પ્રમુખ પાર્થ પટેલનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. જ્યાંથી પાર્થનો મૃતદેહ મળ્યો તે જગ્યા આંકલાવ પોલીસની હદમાં આવતી હોવાથી એણે તપાસ શરૂ કરી છે. આંકલાવ પોલીસનું અનુમાન છે કે, પાર્થે ઉમેટા પાસે મહિસાગર નદીમાં ઝંપલાવીને આપઘાત કર્યો હોવો જાેઈએ. જાેકે, પાર્થના અંગત મિત્રોને પોલીસની થિયરી ગળે ઉતરતી નથી. તેમનું કહેવું છે કે, પાર્થ મક્કમ મનોબળનો યુવાન હતો. તે ક્યારેય આત્મહત્યા ના કરી શકે. અલબત્ત, કોઈ આપઘાત કરવા નીકળ્યું હોય અને પાર્થને બે મિનિટ મળી લે તો પણ એ આપઘાતનો વિચાર માંડી વાળે.

ખેર, આ બનાવ અંગે આંકલાવ પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. પોલીસે પાર્થના મૃત્યુનું કારણ જાણવા માટે એના મૃતદેહનું વીડિયોગ્રાફી સાથે પેનલ પીએમ કરાવ્યું છે. પાર્થના મૃત્યુના સમાચાર વડોદરા શહેર ભાજપ માટે પણ આંચકાજનક છે. ભાજપ માટે પાર્થ એક સારો કાર્યકર્તા હતા. તેના મૃત્યુની ખબર સાંભળતા જ શહેર ભાજપના કેટલાક દિગ્ગજ નેતાઓ અને અનેક કાર્યકરો તાબડતોબ આંકલાવ પહોંચી ગયા હતા. મોડીસાંજે પાર્થના મૃતદેહને અંતિમવિધી માટે એના પૈતૃક ગામ લુણાવાડા લઈ જવાયો હતો. જ્યાં તેના પાર્થિવદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલી સાંઈ ચોકડી નજીકની હરિદર્શન રેસિડેન્સીમાં રહેતો પાર્થ વીરાભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીનો સંનિષ્ઠ કાર્યકર હતો. પાર્ટી પ્રત્યેના તેના સમર્પણને ધ્યાનમાં લઈને ભાજપે તેને વોર્ડ નંબર - ૧૮નો પ્રમુખ બનાવ્યો હતો. વડોદરા શહેર ભાજપમાં સૌથી નાનીવયનો વોર્ડ પ્રમુખ પાર્થ પટેલ જ હતો. દુઃખના સમાચાર એ છે કે, આજે સવારે તેનો મૃતદેહ આણંદ જિલ્લાના આંકલાવ પાસેથી વહેતી મહિસાગર નદીમાંથી મળી આવ્યો હતો. આ બાબતની જાણ થતાં જ આંકલાવ પોલીસે એનો મૃતદેહ પાણીમાંથી બહાર કઢાવ્યો હતો અને ત્યારપછી તેને પોસ્ટમાર્ટમ માટે સ્થાનિક દવાખાનામાં મોકલી આપ્યો હતો. આંકલાવ પોલીસે બનાવ અંગે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે.

મૃતક પાર્થના નીકટના લોકોનું અનુમાન છે કે, પાર્થે મહિસાગર નદીમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હોવો જાેઈએ. કહેવાય છે કે, પાર્થનું લગ્નજીવન બરાબર ચાલતું ન હતંુ. એના અને એની વાઈફ વચ્ચે સંબંધો સારા ન હતા. બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતાં હતાં. ભૂતકાળમાં એની પત્નીએ પાર્થ સામે પોલીસ કાર્યવાહી પણ કરી હતી. બની શકે કે, કદાચ કોઈ બાબતે બંને વચ્ચે ફરી ખટરાગ ઊભો થયો હોય અને આવેશમાં આવીને પાર્થે મહિસાગર નદીમાં ભૂસ્કો મારીને આપઘાત કરી લીધો હોય.

આંકલાવ પોલીસે પહેલા તો પાર્થના મૃત્યુનું કારણ જાણવાના પ્રયાસો હાથ ધર્યા છે. પાર્થના મૃતદેહના પોસ્ટમાર્ટમ બાદ ખબર પડશે કે, હકીકતમાં એનું મોત પાણીમાં ડૂબી જવાથી થયંુ છે કે, પછી બીજા કોઈ કારણસર? આ મામલામાં હાલ કોઈ નિષ્કર્ષ પર આવવા આંકલાવ પોલીસ તૈયાર નથી. કહેવાય છે કે, ગઈકાલે પાર્થ કોઈને કહ્યા વિના ઘરેથી નીકળ્યો હતો અને ત્યારપછી એનો ફોન સ્વિચ ઓફ આવતો હતો. અને આજે સવારે મહિસાગર નદીમાંથી એનો મૃતદેહ મળી આવ્યો હતો. પાર્થ ભાજપના ઘણાં દિગ્ગજ નેતાઓનો નિકટનો કાર્યકર્તા હતા. તેનો સ્વભાવ પણ ખુબ મળતાવડો હતો. સંગઠનમાં કામ કરવાનો એનો લગભગ પંદરેક વર્ષનો અનુભવ હતો. આજે એના મૃત્યુના સમાચાર સાંભળીને વડોદરા ભાજપના ઘણા મોટા નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આંકલાવ પોલીસ મથકે પહોંચી ગયા હતા. એમની સાથે પાર્થના કાકા અને પિતરાઈ ભાઈઓ પણ આંકલાવ દોડી આવ્યા હતા. તેના મોતના સમાચાર સાંભળીને તેની વૃદ્ધ માતા આઘાતમાં સરી પડી હતી. પાર્થની છેલ્લે કોની સાથે શું વાત થઈ તે જાણવા માટે પોલીસે પ્રયાસો શરૂ કર્યા છે.

હોડી ચાલકે નદીમાં મૃતદેહ જાેયો અને પોલીસને જાણ કરી

ઉમેટા તરફથી એક માછી માર હોડી લઈને મહિસાગર નદીમાં માછલી પકડી રહ્યો હતો તે સમયે કિનારા પર એક યુવકની લાશ દેખાઈ હતી. યુવકે લાલરંગની ટી-શર્ટ પહેરેલી હતી અને તેનું માથંુ લીલથી ઢંકાયેલું હતું. હોડીના ચાલકે આ બાબતની જાણ આંકલાવ પોલીસને કરી હતી. આંકલાવ પોલીસે તપાસ કરતા નદીમાં પડેલો મૃતદેહ વડોદરાના પાર્થ પટેલનો હોવાનુ બહાર આવ્યું હતંુ. પાર્થના ગજવામાંથી એનુ આધાર કાર્ડ મળી આવ્યું હતું, જેના આધારે એની ઓળખ છતી થઈ હતી. કહેવાય છે કે, ગઈકાલ બપોરથી જ પાર્થ ભેદી સંજાેગોમાં ગૂમ હતો. તેનો મોબાઈલ ફોન પણ સ્વિચ ઓફ આવતો હતો. જાે, ગઈકાલ બપોરથી તે ગૂમ હતો તો કોઈએ એને શોધવાની કોશિશ કેમ ના કરી? તે પણ મોટો સવાલ છે.

પાર્થની પત્ની એના પુત્રને લઈને પિયરમાં રહેતી હતી

માંજલપુરની હરિદર્શન રેસિડેન્સીમાં પાર્થ એની માતા સાથે રહેતો હતો. એના પરિવારમાં માતા કોકિલાબેન સાથે એની પત્ની મિત્તલ અને એક પુત્ર વિઆનનો પણ સમાવેશ થાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી પાર્થ અને એની પત્ની મિત્તલ વચ્ચે ઝઘડા ચાલતા હતા. જેથી એની પત્ની એના પુત્રને લઈને છેલ્લા કેટલાક સમયથી પોતાના પિયરમાં ચાલી ગઈ હતી. પાર્થ એની પત્ની વચ્ચેનો પારિવારિક ઝઘડો ભૂતકાળમાં પોલીસ મથક સુધી પણ પહોંચ્યો હતો. જે તે સમયે એની પત્નીએ પાર્થના વિરુદ્ધમાં પોલીસમાં રજૂઆત પણ કરી હતી. જેથી પોલીસે પાર્થની પૂછપરછ પણ હાથ ધરી હતી. જાેકે, ગઈકાલે એવું તો શું બન્યું કે, પાર્થને આપઘાત કરવો પડ્યો તે સવાલનો જવાબ મેળવવો પણ જરૂરી છે.

પાર્થ પટેલ પાસે નેતૃત્વની ગજબની ક્ષમતા હતી

માંજલપુરની સાંઈ ચોકડી પાસેની હરિદર્શન રેસિડેન્સીમાં રહેતા પાર્થ વીરાભાઈ પટેલમાં બાળપણથી નેતૃત્વ ક્ષમતા ભરેલી હતી. કોલેજ કાળ દરમિયાન પાર્થ પટેલે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો હતો. તેની પાર્ટી પ્રત્યેની નિષ્ઠા અને પ્રામાણિકતાને લીધે એને ભાજપે વોર્ડ નંબર - ૧૮નો મહામંત્રી બનાવ્યો હતો. મહામંત્રી તરીકેની એની ઉત્કૃષ્ઠ કામગીરી બદલ પાર્ટીએ તેને વોર્ડ નંબર - ૧૮નો પ્રમુખ બનાવ્યો હતો. એના નીકટના મિત્રોને ભરોસો પડતો નથી કે, પાર્થ હવે આ દુનિયામાં નથી રહ્યો. એના દોસ્તો કહે છે કે, પાર્થનું મનોબળ ખુબ મક્કમ હતુ. એ આપઘાત કરી લે તે વાત માની શકાય એવી નથી.

ચાર દિવસ પહેલા જ પાર્થે કો’કની પાસેથી રૂપિયા પંદર લાખ લીધા હતા!

પાર્થના નીકટના મિત્રો કહે છે કે, છેલ્લા કેટલાક સમયથી તે કોઈ મોટી વેતરણમાં હોય એવું લાગતું હતું. થોડા સમયથી તે વડોદરાને બદલે તેના વતન લુણાવાડામાં વધારે રહેતો હતો. કહેવાય છે કે, ચારેક દિવસ પહેલા તેણે કો’કની પાસેથી રૂપિયા પંદર લાખ રૂપિયા લીધા હતા. આટલી મોટી રકમ મળ્યાના ચોથા જ દિવસે એની લાશ મહિસાગર નદીમાંથી મળે તે ચોંકાવનારી વાત છે. પાર્થના અપમૃત્યુ કેસમાં તેના મોબાઈલ ફોનની કોલ ડિટેઈલ્સ મહત્વની ભૂમિકા ભજવશે. છેલ્લા પાંચ-સાત દિવસમાં પાર્થે કોની-કોની સાથે વાત કરી તે જાણવા મળે તો તેના મોતનું કારણ જાણવા મળી શકે.

પાર્થને જાે આપઘાત જ કરવો હતો તો એ છેક આંકલાવ કેમ ગયો ?

ઉમેટા પાસે મહિસાગર નદીમાંથી પાર્થનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે આસપાસ તપાસ કરતા થોડે દૂર એનું એક્ટિવા પણ મળી આવ્યું હતું જેને જાેતા એવું માની શકાય કે, એક્ટિવા લઈને પાર્થ મહીસાગર નદીના કાંઠે આવ્યો હોવો જાેઈએ અને રાત્રિના અંધકારમાં એણે નદીમાં જળસમાધિ લઈ લીધી હોવી જાેઈએ. પણ પોલીસને મૂંઝવતો સવાલ એ છે કે, પાર્થને જાે આપઘાત કરવો જ હતો તો એણે ઉમેટા પાસેની મહીસાગર નદીની પસંદગી જ કેમ કરી? પાર્થનું આટલે દૂર આવીને આપઘાત કરવું એ બાબત પણ પોલીસને મૂંઝવણમાં મૂકી રહી છે. પોલીસે આ દિશામાં પણ તપાસ શરૂ કરી છે.

પત્ની મિત્તલે પતિ પાર્થ સામે ગોધરાની ફેમિલિ કોર્ટમાં કેસ કર્યો હતો

પાર્થ પટેલ અને તેની પત્ની મિત્તલ વચ્ચે છેલ્લા કેટલાય સમયથી ઝઘડો ચાલતો હતો. જેને લીધે પત્ની મિત્તલ તેના પુત્ર વિઆનને લઈને ગોધરા એના પિયરમાં જતી રહી હતી. મિત્તલના પિતા રમેશભાઈ પટેલનું મકાન ગોધરાના ભુરાવાવ રોડ પર આવેલા પાર્વતી નગરમાં છે. પિયર આવ્યા પછી મિત્તલે પતિ પાર્થ સામે ગોધરાની ફેમિલિ કોર્ટમાં ભરણપોષણનો કેસ કર્યો હતો. દરમિયાન ૨૭મી સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ પાર્થની મમ્મી કોકિલાબેને મિત્તલને ફોન કરીને વડોદરા બોલાવી હતી. રાત્રે લગભગ સાડા દસ વાગ્યે પાર્થ ઘરે આવ્યો હતો. અને મિત્તલને ઘરમાં જાેઈને ઉશ્કેરાયો હતો. એણે આવેશમાં આવીને પત્ની મિત્તલ અને માતા કોકિલાબેનને ઢોર મારમાર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ બનાવ અંગે મિત્તલ રમેશભાઈ પટેલની ફરિયાદને આધારે માંજલપુર પોલીસે પાર્થ પટેલ સામે ગુનો દાખલ કરીને તેની ધરપકડ પણ કરી હતી.