વડોદરા શહેરમાં હાહાકાર મચાવી રહેલા કોરોનાને કારણે મૃત્યુ પામેલા સ્વજનનાં અસ્થિ લેવા માટે પરિવારજનો ન આવતાં સ્મશાનોમાં એનાં પોટલાંના ઢગલા થઈ ગયા છે. કોરોનામાં મૃત્યુઆંક વધી જતાં સ્મશાનોમાં ૨૪ કલાક સળગી રહેલી ચિતાઓને કારણે સર્જાતાં ભયાનક દૃશ્યોને કારણે અસ્થિઓ લેવા જવા માટે પણ પરિવારજનો ગભરાઈ રહ્યાં છે.સામાન્ય રીતે હિન્દુઓમાં અગ્નિસંસ્કારના ત્રીજા દિવસે અસ્થિઓ લેવા માટે પરિવારના સભ્ય સ્મશાનમાં જતા હોય છે અને અસ્થિઓને લઈ ચાણોદ નર્મદા ત્રિવેણી સંગમમાં શ્રદ્ધાપૂર્વક એનું વિસર્જન કરી પોતાના સ્વજન માટે મોક્ષપ્રાપ્તિ માટે ભગવાનને પ્રાર્થના કરે છે, પરંતુ કોરોનામાં મૃત્યુ પામતા સ્વજનનાં અસ્થિ વિસર્જન માટે પરિવારના સભ્યો અસ્થિઓ લેવા માટે ન આવતાં સ્મશાનમાં કામ કરી રહેલા સ્વયંસેવકો દ્વારા ચિતાઓ ખાલી કરવા માટે એને ભેગાં કરી પોટલા બનાવી રહ્યા છે.