વડોદરા, તા.૬

વડોદરા શહેર અને જિલ્લામાં સાત જેટલા ગુનામાં વોન્ટેડ વારસિયાનો કુખ્યાત બૂટલેગર હરીશ ઉર્ફ હરી સિંધીને વડોદરાની પીસીબીની ટીમે ભારે જહેમત બાદ અમદાવાદથી ઝડપી પાડી વરણામા પોલીસને સોંપ્યો હતો પરંતું ભ્રષ્ટ્રાચારના આક્ષેપોમાં ખરડાયેલી વરણામા પોલીસે ગત રાત્રે હરી સિંધીને તેના મિત્રો મળવા માટે આવતા તેને લોકઅપમાંથી કાઢીને મિત્રો સાથે પોલીસ મથકની પાછળ ઝાડ નીચે બેસાડતા હરી સિંધી આરામથી ફરાર થયો હતો. હરી સિંધીને ભગાડ્યા બાદ વરણામા પોલીસે વહેલી સવારે ઉચ્ચાધિકારીઅને જાણ કરતા જિલ્લા પોલીસ બેડામાં દોડધામ મચી હતી. આ બનાવની વરણામા પોલીસ મથકમાં પીએસઓ, હરી સિંધી અને તેના મિત્ર પપ્પુ ડાવર સહિત પાંચ સામે ગુનો નોંધાતા પોલીસે પીએસઓની ધરપકડ કરી હતી. દારૂબંધીના ગુનામાં વોન્ટેડ મુળ વારસિયાની એસકે કોલોનીનો વતની અને હાલમાં વમાલીરોડ પર સાકાર કોમ્પ્લેક્સમાં રહેતો ૩૧ વર્ષીય હરેશ ઉર્ફ હરી ચંદ્રકાન્ત બ્રહ્મક્ષત્રીય- (સિંધી) લાંબા સમયથી પોલીસને ચકમો આપી ફરાર રહેતો હતો. ગત અઠવાડિયે તે રાજસ્થાનથી આવીને અમદાવાદના નરોડા વિસ્તારમાં જવાનો છે તેવી બાતમી મળતા પીસીબીની ટીમે વોચ ગોઠવી તેને ઝડપી પાડ્યો હતો. હરી તાલુકા પોલીસ મથકના દારૂબંધીના ગુનામાં વોન્ટેડ હોઈ અને આ ગુનાની તપાસ વરણામા પોલીસ કરતી હોઈ ગઈ કાલે બપોરે દોઢ વાગે હરી સિંધીને વરણામા પોલીસને સોંપાતા તેની અટકાયત કરાઈ હતી. હરી સિંધી વરણામા પોલીસ મથકમાં હોવાની જાણ થતા ગત રાત્રે વારસિયામાં રહેતો કમલેશ ઉર્ફ પપ્પુ વિનોદ ડાવર અને અન્ય બે યુવકો તેને મળવા માટે ગયા હતા. હરી સિંધીને તેના મિત્રો મળવા આવતા પોલીસ મથકના પીએસઓ એએસઆઈ મુકેશ દલાભાઈએ આરોપી હરીને તેના મિત્રો સાથે મુલાકાત કરાવી તેઓને વાતચિત કરવા માટે પોલીસ સ્ટેશનની પાછળ લીંબુના ઝાડ બેસાડયા હતા જેના પગલે હરી સિંધી અને તેના મિત્રો આરામથી પોલીસ કસ્ટડીમાંથી ફરાર થયા હતા. રાત્રે બનાવ બન્યો હોવા છતાં પીએસઓ મુકેશે સવારે સાડા છ વાગે પીએસઆઈ બિહોલાને જાણ કરી હતી કે હું હરી સિંધીને રાત્રે પોલીસ સ્ટેશન પાછળ બેસાડ્યા બાદ તેને લોકઅપમાં મુકવાનું ભુલી જતાં તે ફરાર થયો છે. આ જાણકારીના પગલે જિલ્લા પોલીસ બેડામાં હરી અને તેના સાગરીતનો શોધવા માટે દોડધામ મચી હતી. જાેકે તેઓનો કોઈ પત્તો નહી લાગતા વરણામાના પીએસઆઈ કે.એચ.બિહોલાએ વરણામા પોલીસ મથકમાં ફરાર આરોપી હરિ સિંધી, ફરજમાં બેદરકારી દાખવનાર પીએસઓ મુકેશ દલાભાઈ તેમજ હરીને ભગાડવામાં મદદગારી કરનાર પપ્પુ ડાવર અને અન્ય બે મિત્રો સહિત પાંચ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના પગલે પોલીસે પીએસઓ મુકેશ દલાભાઈની ધરપકડ કરી હતી.

હરિ સામે ૧૪ ગુના ઃ પાંચવાર પાસા થઈ

હરી સિંધી સામે સિટી પોલીસ મથકમાં ૧૨ ગુના તેમજ કિશનવાડી અને બાપોદ પોલીસ મથકમાં ૧-૧ ગુના નોંધાયેલા છે જે પૈકી સાત ગુનામાં તે વોન્ટેડ છે. વારંવાર દારૂબંધીના ગુનામાં સંડોવાયેલા હરી સિંધીને પાંચ વખત પાસા હેઠળ જેલભેગો કરાયો પણ છે. આટલો ગંભીર ગુનાહિત ઈતિહાસ હોવા છતાં વરણામા પોલીસે તેને મિત્રો સાથે વાત કરવા માટે પોલીસ સ્ટેશનની પાછળ લીંબુના ઝાડ નીચે બેસાડતા હરી પોલીસને લીંબુ પકડાવી ફરાર થયો છે.

વહીવટદાર વનરાજસિંહની ભેદી ભૂમિકા

હરી સિંધી મિત્રો સાથે આરામથી ફરાર થઈ જતા આ સમગ્ર પ્રકરણમાં વરણામા પોલીસ મથકના વહિવટદાર વનરાજસિંહ પણ જવાબદાર હોવાની ચર્ચા વહેતી થઈ છે. એક એવી પણ વાત ચર્ચાય છે કે હરી સિંધીને લોકઅપમાં નહી રાખવા માટે વરણામા પોલીસ મથકના વહીવટદાર વનરાજસિંહે પીએસઓને સુચના આપી હતી. હરી રાત્રે ઝાડ નીચે બેઠો હોઈ તેની મહિલા પોલીસે પુછપરછ પણ કરી હતી જેમાં હરી સિંધીએ પોતાના ફોનથી મહિલા પોલીસ અને પીએસઓને વનરાજસિંહ સાથે વાત કરાવી હતી. જાેકે પીએસઆઈ બિહોલાએ આવી બિનસત્તાવાર ચર્ચા અંગે કોઈ જાણકારી નથી પરંતું આ ચર્ચાની પણ તપાસ કરીશું તેમ જણાવ્યું હતું.

હરી સિંધી રાજ્યની બહાર નીકળી ગયો હતો તેવી ખાતરી થયા બાદ ફોન કર્યો

રાત્રે સાડા દસ વાગે જ હરિ સિંધીને ભગાડી દીધા બાદ તે સલામત રીતે રાજ્યની હદમાંથી બહાર નીકળી ગયો હશે તેવી ખાત્રી થતા પીએસઓ મુકેશ દલાભાઈએ વરણામા પોલીસ મથકના પીએસઆઈ બિહોલાને ઠેક સવારે સાડા છ વાગે જાણ કરી હતી કે હરી સિંધીને મે મિત્રો સાથે વાતચિત કરવા માટે પોલીસ સ્ટેશન પાછળ બેસાડ્યા બાદ હું તેને લોકઅપમાં મુકવાનું ભુલી ગયો હતો અને રાત્રે ત્રણ વાગે મને યાદ આવતા મે તપાસ કરી હતી પરંતું હરી અને તેના મિત્રો મળ્યા નથી.