/
બંને પક્ષો ભાજપ અને કોંગ્રેસે કાંડા ખંખેરી લીધાં, લોબિઇંગ શરૂ થઈ ગયું!

આણંદ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના નગારાં વાગે અને જાહેરનામું હજું બહાર પડે એ પહેલાં દૂધની રાજધાનીમાં ઘમ્મરવલોણાં શરૂ થઈ ગયાં છે. બંને પક્ષો ભાજપ અને કોંગ્રેસે કાંડા ખંખેરી લીધાં છે. બીજી તરફ ટિકિટ મેળવવા માટે લોબિઇંગ શરૂ થઈ ગયું છે! આણંદ જિલ્લાની પાંચ પાલિકામાં વોર્ડ મુજબ પેનલ તૈયાર કરવા સોગઠાં ગોઠવાવા માંડ્યાં હોવાનું આધારભૂત સૂત્રોનું કહેવું છે. 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજવાનું હજી તો જાહેરનામું બહાર પડ્યું નથી ત્યાં તો આણંદ જિલ્લામાં અંદરખાને કોલાહલ શરૂ થઈ ગયો છે. પાંચેય પાલિકાને કબજે કરવા ભાજપ અને કોંગ્રેસ દ્વારા અંદરખાને ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા હાથ શરૂ કરવામાં આવી હોવાનું આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. એવું કહેવાય છે કે, રાતના અંધારામાં બેઠકોનો દૌર શરૂ થઈ ગયો છે. એકાદ અઠવાડિયામાં વિધિવત જાહેરનામંુ બહાર પડે તેવી શક્યતાઓ છે.

આ વખતે આણંદ જિલ્લાની પાંચ પાલિકાઓ આણંદ, બોરસદ, પેટલાદ, ખંભાત અને ઉમરેઠની મુદ્દત આગામી ડિસેમ્બર માસમાં પૂરી થઈ રહી છે. પરિણામે ચૂંટણીપંચ દ્વારા ચૂંટણીઓ કરાવવાની દિશામાં તજવીજ હાથ ધરી છે. પ્રાથમિક મતદાર યાદી પણ બહાર પડી ગઈ છે. હવે સુધારા-વધારા સાથે ફાઇનલ મતદાર યાદીનું કામકાજ પણ શરૂ થઈ કરી દેવાયું છે. જેને લઈને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ તેનાં નિર્ધારીત સમયે જ યોજાશે, તેવી શક્યતાઓ બળવત્તર બની છે.

બીજી તરફ ભાજપ અને કોંગ્રેસ દ્વારા જીતી શકે તેવાં ઉમેદવારોની શોધખોળ ચાલું કરી દેવામાં આવી છે. વોર્ડ મુજબ બેઠકોનો દૌર હાથ ધર્યો છે. જિલ્લાની પાંચેય બેઠકો પર કયા વોર્ડમાં કઈ અનામત બેઠકો છે, તેનો પણ બારીકાઈથી અભ્યાસ કરીને તે જ્ઞાતિના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા હાથ ધરાઈ છે. કોંગ્રેસ અને ભાજપ દ્વારા જ્ઞાતિના સમીકરણોને ધ્યાનમાં રાખીને ઉમેદવારો શોધાઈ રહ્યાં છે. જાેકે, બીજી તરફ માહિતગાર સૂત્રોના જણાવ્યાં મુજબ, કેટલાંક ઉમેદવાર દ્વારા ભાજપ કે કોંગ્રેસ દ્વારા ટિકિટ ન મળે તો અપક્ષ તરીકે લડવાની પણ તૈયારીઓ હાથ ધરી છે.

આમ આદમી પાર્ટી પણ મેદાનમાં આવી

જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ લડવા માટે આ વખતે આમ આદમી પાર્ટીએ પણ શસ્ત્રો સજાવ્યાં છે. આપે પણ તૈયારીઓ હાથ ધરી છે, જેને લઈને આ વખતનો ચૂંટણી જંગ ભારે રસપ્રદ થશે એવું કહેવાઈ રહ્યું છે.

ભાજપને એન્ટિ ઇન્કમ્સી નડશે, કોંગ્રેસ માટે ફરી તક

શહેરી વિસ્તારોની પાંચેય નગરપાલિકાઓ ઉપર ભાજપનું પ્રભુત્વ છે, પરંતુ આ વખતે એન્ટિ ઇન્કમબન્સીને કારણે ભાજપે વધારે જાેર લગાવવું પડે તેવી શક્યતા છે. શહેરની કેટલીક સમસ્યાઓને લઈને કોંગ્રેસ માટે આ વખતે ફરી તક ઊભી થઈ છે. જાેવાનું એ રહે છે કે, આ તકનો લાભ કોંગ્રેસ કેટલો લઈ શકે છે?

કોંગ્રેસે ચૂંટણી લક્ષી તૈયારીઓ શરૂ કરી

સૂત્રોનું કહેવું છે કે, બીજી તરફ કોંગ્રેસ દ્વારા બેઠકોનો દૌર હાથ ધરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના નેતાઓ દ્વારા હોદ્દેદારોની બેઠકો યોજીને ચૂંટણી લક્ષી માર્ગદર્શન આપવાનું શરૂ કરી દેવાયું છે.

ભાજપ માટે કપરાં ચઢાણ, તૈયારીઓ શરૂ

સૂત્રોનું કહેવું છે કે, આ બાજુ ભાજપ દ્વારા પણ પાંચેય પાલિકા પૈકી આણંદ, પેટલાદ, ખંભાત અને ઉમરેઠમાં સત્તા જાળવી રાખવા વરસાદના પાણી નેવે ચડાવવા પડશે, પણ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તેમજ બોરસદમાં કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લેવા માટેની કવાયત તેજ કરી દીધી છે.

ચૂંટણી માથા પર પણ આણંદમાં ભાજપનો નાથ કોણ એ નક્કી થયું નથી!

જાેકે, હજી સુધી આણંદ જિલ્લા ભાજપના પ્રમુખનું કોકડું ગુંચવાયેલું હોવાથી ભાજપ તરફથી અવઢવભરી સ્થિતિ જાેવાં મળી રહી છે. જાહેરનામંુ બહાર પડતાંની સાથે જ ભાજપ અને કોંગ્રેસ દ્વારા પાલિકા મુજબ નિરીક્ષકોની નિમણૂકો કરીને ઉમેદવારોની પસંદગી સહિતની પ્રક્રિયા તેજ કરી દેવામાં આવશે, તેમ મનાઈ રહ્યું છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution